ફરી હિન્દુ બની જાઓ…, બોલિવૂડમાં કોમવાદના વિવાદ વચ્ચે અનુપ જલોટાની AR રહેમાનને સલાહ | Anup Jalota’s Sharp Advice to AR Rahman Amid Communal Bias Controversy in Bollywood

![]()
Anup Jalota On AR Rahman : ભજન ગાયક અનુપ જલોટાએ પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર એ. આર. રહેમાનના તાજેતરના નિવેદનની ટીકા કરી છે. જેમાં જલોટાએ સલાહ આપી કે, એ. આર. રહેમાનને એવું લાગે છે કે મુસ્લિમ હોવાથી બોલિવૂડમાં ઓછું કામ મળી રહ્યું છે તો તેઓને ફરી હિન્દુ ધર્મ અપનાવો જોઈએ.
અનુપ જલોટાની AR રહેમાનને સલાહ
જલોટાએ વાઈરલ વીડિયોમાં કહ્યું કે, ‘એ. આર. રહેમાન પહેલા હિન્દુ હતા. આ પછી તેમને ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ઘણું કામ કર્યું, ઘણી નામના મેળવી, લોકોના દિલમાં જગ્યા બનાવી. પરંતુ તેમને એ વાતનો વિશ્વાસ છે કે આપણા દેશમાં મુસ્લિમ હોવાના કારણે તેમને ફિલ્મમાં મ્યુઝિક માટે કામ નથી મળી રહ્યું, તો પછી ફરી હિન્દુ બની જાઓ. તો એમને વિશ્વાસ હોવો જોઈએ કે હિન્દુ હોવા છતાં, ધર્માંતરણ કર્યા પછી, તેમને ફરીથી ફિલ્મો મળવાનું શરૂ થશે. એ જ તેનો મતલબ છે. તો મારી સલાહ છે કે તેમણે હિન્દુ ધર્મ અપનાવવો જોઈએ અને પછી જોવાનો પ્રયાસ કરવો જોઈએ કે તેમને ફરીથી ફિલ્મો મળી શકે છે કે નહીં.’
વિવાદનું કારણ શું?
તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં એ. આર. રહેમાને કહ્યું હતું કે, ‘છેલ્લા આઠ વર્ષોમાં બોલિવૂડમાં પાવર શિફ્ટ થયો છે, જ્યાં ક્રિએટિવ લોકો ઓછા અને નોન-ક્રિએટિવ લોકોનો દબદબો વધારે છે. કદાચ આ એક સાંપ્રદાયિક મુદ્દો પણ હોઈ શકે છે, પરંતુ મારી આ ક્યારેય ખુલીને સામે આવ્યું નથી. કદાચ મને ક્યારેય ખબર ન હતી, કદાચ ભગવાને તેને છુપાવ્યું હશે, પરંતુ મને ક્યારેય કંઈ ફિલ ન થયું. સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ પણ હોઈ શકે છે, પરંતુ તે ક્યારેય મારા ધ્યાનમાં સીધું આવ્યું નથી.’
રહેમાને ‘છાવા’ ફિલ્મ પર કરી ટિપ્પણી
આ પછી ઘણાં લોકોએ તેમના આ નિવેદનને સાંપ્રદાયિક પક્ષપાત ગણાવીને વિરોધ કર્યો હતો. રહેમાને ફિલ્મ ‘છાવા’ પર પણ ટિપ્પણી કરીને કહ્યું હતું કે, ‘વિભાજનને પ્રોત્સાહન આપે છે. છાવા એક વિભાજનકારી ફિલ્મ છે. મને લાગે છે કે તેનો હેતુ બહાદુરી બતાવવાનો છે. મેં દિગ્દર્શકને પણ પૂછ્યું હતું કે તેમને આ ફિલ્મ માટે મારી જરૂર કેમ છે? તેમણે કહ્યું કે, અમને આ માટે ફક્ત તમારી જરૂર છે.’
આ વિવાદ બાદ રહેમાને એક વીડિયો સ્ટેટમેન્ટ બહાર પાડીને સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે કહ્યું કે, ‘સંગીત હંમેશા મારા માટે સંસ્કૃતિ સાથે જોડાવાનો, ઉજવણી કરવાનો અને આદર કરવાનો એક માર્ગ રહ્યો છે. ભારત મારી પ્રેરણા, મારો ગુરુ અને મારું ઘર છે. હું સમજું છું કે ક્યારેક ઇરાદાઓને ગેરસમજ કરવામાં આવે છે. પરંતુ મારો ધ્યેય હંમેશા મારા સંગીત દ્વારા લોકોને ઉત્થાન, સન્માન અને સેવા આપવાનો રહ્યો છે. મારો ક્યારેય ઈરાદો દુઃખ પહોંચાડવાનો નહોતો, અને મને આશા છે કે મારું સત્ય સાંભળવામાં આવશે.’



