राष्ट्रीय

રૂ. 2742 કરોડના કૌભાંડના પુરાવા સાથે ચેડાં : મમતા સામે ઇડી સુપ્રીમમાં | Tampering with evidence of Rs 2742 crore scam: ED against Mamata in Supreme Court



– મમતા, ડીજીપી, પોલીસ કમિશનર સામે એફઆઇઆરની ઇડીની માગ

– અમારા અધિકારીઓને ધમકાવ્યા અને હેરાન કરવા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ચાર ફરિયાદો કરી : ઇડી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળનારી આઇ-પેકની ઓફિસે ઇડી દ્વારા દરોડા પડાયા ત્યારે મુખ્યમંત્રી મમતા બેનરજી ત્યાં પહોંચી ગયા હતા અને ઓફિસમાં ઘૂસીને ફાઇલો લઇને બહાર આવી ગયા હતા. આ મામલે હવે ઇડી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ છે જેમાં મમતા સામે એફઆઇઆર દાખલ કરવા આદેશ આપવાની માગણી કરવામાં આવી છે. 

સુપ્રીમમાં કરેલી અરજીમાં ઇડીએ મમતા ઉપરાંત બંગાળના ડીજીપી, કોલકાતાના પોલીસ કમિશનર સામે પણ કાર્યવાહીમાં દખલ દેવા ઉપરાંત પુરાવાનો નાશ કરવાના આરોપો લગાવ્યા છે. ઇડીએ સુપ્રીમમાં કહ્યું છે કે અગાઉ એજન્સી દ્વારા આ મામલે કલકત્તા હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી પરંતુ મુખ્યમંત્રી અને ટીએમસીના સમર્થકો દ્વારા કોર્ટમાં ખલેલ પહોંચાડવામાં આવી હતી જેને કારણે જજે કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. કલકત્તા હાઇકોર્ટમાં ઇડીની અરજી બાદ બંગાળ સરકારે કેવીએટ દાખલ કરી હતી અને કોઇ પણ આદેશ પહેલા સરકારને સાંભળવામાં આવે તેવી માગણી કરી હતી. 

ઇડીએ અન્ય એક મોટો આરોપ નાણાકીય ગેરરિતીને લઇને કર્યો છે. ઇડીએ દાવો કર્યો છે કે ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કાયદેસરના સર્ચ ઓપરેશનમાં ઇરાદાપૂર્વક દખલ દેવામાં આવી હતી. ૨૭૪૨.૩૨ કરોડના કોલસા તસ્કરી અને મની લોન્ડરિંગ કૌભાંડ સાથે આ મામલો જોડાયેલો છે. આ કૌભાંડ સાથે જોડાયેલા ૨૦ કરોડ રૂપિયાથી વધુની રકમ હવાલા ચેનલ દ્વારા આઇપેક સુધી પહોંચી ગઇ છે. મમતા બેનરજી આશરે ૧૦૦ જેટલા પોલીસકર્મીઓની સાથે પ્રતીક જૈનના આવાસ પર પહોંચ્યા હતા, સર્ચ દરમિયાન ઇડીના અધિકારીઓને રોક્યા, જપ્ત કરાયેલા લેપટોપ, મોબાઇલ ફોન અને દસ્તાવેજોને બળજબરીથી લઇને પોલીસ કસ્ટડીમાં બે કલાક રાખવામાં આવ્યા. ઇડીનું કહેવુ છે કે મમતાએ ઇડીના અધિકારીઓને ધમકાવ્યા, તપાસ પુરી કરવા દેવામાં ના આવી. જે બાદ કોલકાતાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇડીના અધિકારીઓની સામે ચાર ફરિયાદ દાખલ કરવામાં આવી. ઇડીએ આ સમગ્ર મામલે મમતા, ડીજીપી, પોલીસ કમિશનર સામે એફઆઇઆર ઉપરાંત સીબીઆઇ તપાસની માગ કરી છે. 



Source link

Related Articles

Back to top button