VIDEO: હિમાચલમાં બસ ખીણમાં ખાબકી, 12 મોત, રાહત અને બચાવ કામગીરી શરૂ | Himachal Pradesh : A Private Bus Met With An Accident In Haripurdhar Sirmaur District

![]()
Himachal Pradesh Bus Accident : હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક બસ અકસ્માત થયો છે. કુપવીથી શિમલા જઈ રહેલી એક ખાનગી બસ હરિપુરધાર પાસે નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી છે. આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.
સ્થાનિકો અને બચાવ ટુકડીઓ દ્વારા રાહત કામગીરી
અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના પરખચ્ચા ઉડી ગયા હતા. ઘટનાને પગલે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને ખાઈમાંથી બહાર કાઢી સડક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. સિરમૌરના એસપી નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું કે, પોલીસ અને બચાવ ટીમો હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાંચ દર્દીઓને વધુ સારવાર માટે સંગડાહ, દદાહૂ અને નાહન મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીએ શોક વ્યક્ત કર્યો
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ આ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. ઉદ્યોગ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વિનય કુમારે પણ ઘટના અંગે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચો : સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત, સોનાના ઘરેણાની ચોરી મામલે SITની મોટી કાર્યવાહી



