અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન, કહ્યું- ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશું’ | America Threaten Indian Students Over Violation Says You Could Be Deported From Country

![]()
US Warns Indian Students on Visa issue : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં તિરાડો પડી છે. તુંડમિજાજી ટ્રમ્પના મનસ્વી નિર્ણયો અને નિવેદનના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓ ફરી ધમકી આપી છે. અમેરિકાએ આજે (7 જાન્યુઆરી) અમેરિકાના અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે કહ્યું છે કે, જો અમેરિકાનો કાયદો તોડવામાં આવશે તો વિઝા રદ થઈ શકે છે અને એટલું જ નહીં દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે.
‘અમેરિકન વિઝા એક સુવિધા, અધિકાર નથી’
ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘જો અમેરિકાનો કાયદો તોડશો તો તમારા સ્ટૂડન્ટ વિઝા પર ગંભીર અસર થઈ શકે છે. જો તમારી ધરપકડ થશે અથવા તમે કોઈ કાયદો તોડશો તો તમારો વિઝા રદ થઈ શકે છે, તમારો દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં ભવિષ્યમાં તમે અમેરિકન વિઝા માટે અયોગ્ય જાહેર થઈ શકો છો. નિયમોનું પાલન કરો અને પોતાના પ્રવાસને ખતરામાં ન નાખો. અમેરિકન વિઝા એક સુવિધા છે, અધિકાર નથી.’
આ પણ વાંચો : ‘ફરક સમજો સરજી’, ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીનો PM મોદીને કટાક્ષ
ટ્રમ્પના શાસનકાળમાં ભારતીયોને ચેતવણી વધી
નોંધનીય છે કે, ટ્રમ્પના શાસનકાળમાં ઈમિગ્રેશન નિયમો દિવસેને દિવસે કડક કરવામાં આવી રહ્યા છે. અમેરિકા દ્વારા ભારતીયોને અવાર-નવાર આવી ચેતવણી આપવામાં આવતી રહી છે. અગાઉ અમેરિકન દૂતાવાસે ભારતથી અમેરિકા જતાં ગેરકાયદે પ્રવાસીઓ માટે કડક ચેતવણી જાહેર કરી હતી. તેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે, ‘ઈમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને મોટી ક્રિમિનલ સજા થઈ શકે છે. દૂતાવાસે આ ચેતવણી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.



