અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તેજ, 30 દેશોના 150થી વધુ પતંગબાજો લેશે ભાગ | Uttarayan Festival 2026 Ahmedabad International Kite Festival pm modi tour

International Kite Festival: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના કિનારે આ વર્ષે પણ પરંપરાગત રીતે ઉત્તરાયણ પહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. વલ્લભ સદન પાસેના રિવરફ્રન્ટ મેદાન ખાતે આ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પતંગોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના વાઈસ ચાન્સલર દ્વારા કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા હાલમાં દિવસ-રાત કામગીરી કરીને તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

30 જેટલા દેશોના 150થી વધુ પતંગબાજો લેશે ભાગ
આ વર્ષના પતંગોત્સવને અગાઉના વર્ષો કરતા પણ વધુ ભવ્ય બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વિશ્વના 30 જેટલા દેશોના 150થી વધુ પતંગબાજો સહિત ગુજરાત અને ભારતભરના પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં આ મહોત્સવમાં સલમાન ખાન જેવા અભિનેતાઓ અને અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ હાજરી આપી ચૂક્યા છે. આ વખતે મહાનુભાવો માટે મેદાનમાં એક વિશેષ અને એટ્રેક્ટિવ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે
PM મોદી આવે તેવી સંભાવના
પ્રાપ્ત વિગતો અનુસાર, આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. વડાપ્રધાનની સંભવિત મુલાકાત અને વિદેશી મહેમાનોની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુવિધાના તમામ પાસાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં દેશ-વિદેશની અવનવી અને વિશાળકાય પતંગો આકર્ષણનું કેન્દ્ર બનશે.





