જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate alone is not sufficient evidence to correct date of birth

![]()
વડોદરા : સ્કુલ દ્વારા જે લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે
પ્રમાણેની જન્મ તારીખ જન્મના રજીસ્ટરમાં સુધારી આપવા માટે મહિલાએ અદાલતમાં દાદ
માગતા અદાલતે મહિલાની અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, જન્મ
પ્રમાણપત્રએ જન્મનો પ્રાથમિક અને શ્રે પુરાવો છે.
વડોદરાના મંજલપુર વિસ્તારમાં રહેતા મહિલાએ તેમની ભત્રીજીની જન્મ
તારીખ સુધારવા માટે વડોદરાની સિનિયર સિવિલ જજની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
મહિલાએ દાવામાં દાદ માગી હતી કે,જન્મના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ ૨ માર્ચ
૧૯૭૯ના બદલે શાળાના રેકોર્ડ મુજબ ૧૨.માર્ચ ૧૯૭૯ કરવામાં આવે. જોકે, કોર્ટે તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ આ અરજીને કાયદાકીય પીઠબળના અભાવે
ફગાવી દીધી હતી.
અરજદારની મુખ્ય રજૂઆત એવી હતી કે જન્મ પ્રમાણપત્રમાં દર્શાવેલ
તારીખ ભૂલભરેલી છે અને શાળાના લિવિંગ સટફિકેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા પાસપોર્ટ જેવા અન્ય તમામ દસ્તાવેજોમાં ૧૨.૦૩.૧૯૭૯ની તારીખ
નોંધાયેલી છે. સામા પક્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવી દલીલ કરવામાં
આવી હતી કે જન્મનું પ્રમાણપત્ર એ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ, ૧૯૬૯ હેઠળનો એક વૈધાનિક દસ્તાવેજ છે. તેમાં કોઈપણ ફેરફાર માત્ર સક્ષમ
અધિકારી દ્વારા નિર્ધારિત કાયદાકીય જોગવાઈઓ મુજબ જ થઈ શકે છે.
કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે જન્મ પ્રમાણપત્ર એ
પ્રાથમિક અને શ્રે પુરાવો છે, જેની સત્યતાની કાયદાકીય ધારણા હોય છે. અરજદારે
જન્મ સમયના કોઈ હોસ્પિટલ રેકોર્ડ કે અન્ય નક્કર પુરાવા રજૂ કર્યા નથી. શાળાના
રેકોર્ડએ વાલીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત હોય છે અને તે જન્મના સમયના
પુરાવા નથી. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે, સિવિલ કોર્ટ
રજિસ્ટ્રારની સત્તા છીનવી શકે નહીં અને પૂરતા પુરાવા વગર જાહેર રેકોર્ડમાં ફેરફાર
કરવાનો આદેશ આપી શકાય નહીં.



