ધ્રાંગધ્રામાં હત્યાના પ્રયાસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for one and a half years in attempted murder in Dhrangadhra arrested

![]()
આરોપી સામે ધ્રાંગધ્રા ઉપરાંત હળવદ, રાજકોટ સહિત ચાર પોલીસ મથકમાં છ ગુના નોંધાયેલા
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેરના કસ્બા શેરી વિસ્તારમાં રહેતો રવિ જગદીશ ચૌહાણ નામનો શખ્સ છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. આરોપી વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં હત્યાની કોશિશ અને દારૃબંધીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આરોપીના ગુનાહિત ઈતિહાસની તપાસ કરતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક, હળવદ અને રાજકોટ પોલીસ મથકોમાં પણ તેના વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુનાઓ દાખલ થયેલા છે. લાંબા સમયથી પોલીસ પકડથી દૂર આ રીઢા ગુનેગાર સીટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નાસતો ફરતો રવિ ચૌહાણ હાલ પોતાના રહેણાંક વિસ્તારમાં જ હાજર છે. બાતમી મળતા જ પોલીસે કસ્બા શેરી નજીક દરોડો પાડયો હતો અને ઘેરાબંધી કરીને રવિને ઝડપી પાડયો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે નોંધાયેલા તમામ ગુનાઓ સંદર્ભે પૂછપરછ ની કાર્યવાહી હાથ ધરી છે.



