બાંગ્લાદેશમાં ભારતીયો વિરુદ્ધ ‘બળવો’ ! હાદીના સાથીઓનું 24 દિવસનું અલ્ટીમેટમ | bangladesh inqilab moncho ultimatum yunus government osman hadi murder

India Bangladesh Relations: બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના પ્રવક્તા ઉસ્માન હાદીની હત્યાના મામલે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. ઇન્કલાબ મંચે સરકારને ખુલ્લું અલ્ટીમેટમ આપતા આગામી 24 દિવસમાં આ હત્યાનો ટ્રાયલ પૂર્ણ કરવાની માંગ કરી છે.
રવિવારે ઢાકાના શાહબાગ ખાતેથી મંચના સચિવ અબ્દુલ્લા અલ જબ્બારે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, ઉસ્માન હાદીના હત્યારાઓ, તેના માસ્ટરમાઇન્ડ અને મદદગારો સહિતના તમામ દોષિતો સામે કાયદાકીય પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ થવી જોઈએ. આ સાથે જ મંચે દેશની સાર્વભૌમત્વતા બચાવવા માટે બાંગ્લાદેશમાં કામ કરી રહેલા ભારતીયોના વર્ક પરમિટ રદ કરવાની પણ વિવાદાસ્પદ માંગ કરી છે.
ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવાની ઇન્કલાબ મંચની ચીમકી
ઇન્કલાબ મંચની અન્ય એક માંગણી એવી છે કે, જો ભારત બાંગ્લાદેશમાં ગુનો કરી શરણ લેનારા દોષિતોને પરત સોંપવાનો ઇનકાર કરે, તો તેમની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે. બીજી તરફ, બાંગ્લાદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલા દાવાઓને ભારતીય સુરક્ષા એજન્સીઓએ સદંતર ફગાવી દીધા છે.
હાદી હત્યાકાંડના બે મુખ્ય શંકાસ્પદ આરોપીઓ મેઘાલય સરહદેથી ભારતમાં ઘૂસ્યા
ઢાકા પોલીસે એવો દાવો કર્યો હતો કે હાદીની હત્યાના બે મુખ્ય શંકાસ્પદ આરોપીઓ મેઘાલયની સરહદ મારફતે ભારતમાં પ્રવેશ્યા છે. જોકે, મેઘાલયમાં BSFના આઈજી ઓ.પી. ઉપાધ્યાયે આ દાવાઓને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હલુઆઘાટ સેક્ટરથી કોઈએ સરહદ ઓળંગી હોવાના કોઈ પુરાવા કે બાતમી મળી નથી, તેમજ સ્થાનિક પોલીસ પણ આ પ્રકારની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિની પુષ્ટિ કરતી નથી.




