લખતર રેલવે સ્ટેશન રોડ પર બાઈક-રિક્ષા અથડાતા 2ને ઇજા | 2 injured in bike rickshaw collision on Lakhtar Railway Station Road

![]()
નવનિર્મિત રોડ પર સ્પીડ બ્રેકર મુકવા માંગ
નવા બનેલા રોડ પર સ્પીડ બ્રેકરના અભાવે બેફામ વાહન ચલાવતા અકસ્માતનું જોખમ
લખતર – લખતર રેલવે સ્ટેશન રોડ પર ઓમશાંતિ વિદ્યાલય પાસે બાઈક અને રિક્ષા અથડાતા તાલુકાના કેસરિયા ગામના બે યુવકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઓમશાંતિ વિદ્યાલય પાસે એક રિક્ષા વળાંક લઇ રહી હતી ત્યારે મામલતદાર કચેરી તરફથી આવતા બાઈક ચાલકે અચાનક કાબૂ ગુમાવતા બાઈક રિક્ષાના આગળના ભાગે અથડાઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બંને વિદ્યાર્થીઓને શારીરિક ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લખતર બસ સ્ટેન્ડથી મોડલ સ્કૂલ સુધી નવો સીસી રોડ તો બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં જરૃરી સ્પીડ બ્રેકર (બમ્પ) મૂકવામાં આવ્યા નથી. સ્પીડ બ્રેકરના અભાવે વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારે છે, જેના કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓમાં સતત ભયનો માહોલ રહે છે. તંત્ર દ્વારા તાત્કાલિક બમ્પ મુકાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.



