ગાંધીનગરના ઉવારસદ ખાતે વિશ્વ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ
ગાંધીનગર
સમગ્ર વિશ્વમાં 28મી મેના રોજ વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લામાં આ દિવસના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરભિ ગૌતમના માર્ગદર્શન હેઠળ ઉવારસદ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ.જે.વૈષ્ણવની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મહિલાઓમાં માસિકચક્રને લીધે થતા પરિવર્તનો વિશે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તરુણાવસ્થાની લઈને મેનોપોઝ સુધીના સમયગાળામાં સમયાંતરે થતા શારીરિક તેમજ માનસિક ફેરફારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. માસિકના દિવસોમાં સ્ત્રીઓએ સ્વચ્છતા રાખવી મહત્વની છે. ગ્રામીણ વિસ્તારોમાં આ બાબતે સજાગતા ઓછી હોય છે. ઉપરાંત શહેરોમાં પણ સંકોચને લીધે સ્વચ્છતા બાબતે સ્ત્રીઓ ધ્યાન નથી આપી શકતી. કાર્યક્રમમાં મહિલાઓને આ વિશે જાગૃત કરવામાં આવી હતી.
માસિકના દિવસોમાં સ્ત્રીઓ સેનેટરી નેપકીનનો યોગ્ય ઉપયોગ તેમજ યોગ્ય નિકાલ કરે તે બાબતે માર્ગદર્શન અપાયું હતું. સ્વચ્છતાના અભાવે જાતીય રોગ થવાનો ભય રહે છે. કાર્યક્રમમાં આ રોગો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત માસિકસ્રાવ બાબતે સામાજિક ભેદભાવ દૂર થાય અને એક સામાન્ય શારીરિક કુદરતી પ્રક્રિયા તરીકે સમાજમાં સ્વીકૃત થાય તે માટે પણ ચર્ચા થઈ હતી.
વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ.જે.વૈષ્ણવે માસિક સ્રાવના સમયે બહેનો માટે સમાજમાં રહેલી વિવિધ ગેરમાન્યતા જેવી કે ધાર્મિક સ્થાનોએ ના જવું, ઘરના તમામ લોકોથી દુર રહેવું, શાળા કે કામના સ્થળે ના જવું, રસોડામાં પ્રવેશ ના કરવો, અમુક ચોક્કસ જ આહાર ખાવો જોઈએ વગેરે ગેરમાન્યતાઓ દૂર કરવા સમાજના લોકો માહિતગાર થાય તે માટે તમામ પીઅર એજ્યુકેટર અને આરોગ્ય સ્ટાફને જન આંદોલન બનાવી જન જન સુધી પહોંચાડવા જણાવ્યું હતું