ગુજરાતને અડીને આવેલા નંદુબારના અનેક વિસ્તારોમાં પડ્યા કરા, આજે રાજ્યના આ વિસ્તારોમાં છે માવઠાની આગાહી
બારડોલી: ગુજરાત રાજ્ય અડીને આવેલ નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકામા કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. હવામાન વિભાગે નંદુરબાર જિલ્લામાં 7થી 9 માર્ચની વચ્ચે કમોસમી વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી હતી. માવઠા સાથે વીજળી પડતા બોરસલે ગામના ખેતરમાં કામ કરતી યુવતીનું મોત નીપજ્યુ હતુ.
બોરસલે ગામની શિતલ રાકેશ ગીરાસે ગઈકાલે ખેતરમાં કામ કરતી હતી. તે દરમિયાન વીજળી પડતા તેમનું મોત નીપજ્યુ હતુ. આ સાથે અન્ય યુવતી ગાયત્રી ગિરાસે ઇજાગ્રસ્ત થઈ છે.
શહાદા તાલુકાના મલગાવ, વડાળી, બામખેડા વિસ્તારમાં સોમવારે અને મંગળવારે કરા અને કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘઉં, ચણા અને જુવારના પાકને ભારે નુકસાન થયું છે. સમગ્ર જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે જેના કારણે શાકભાજીના પાકને અસર થવાની ધારણા છે. હવામાન વિભાગે 9 માર્ચ સુધી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હોવાથી ખેડૂતોએ તેમની ખેત પેદાશોની કાળજી લેવાની જરૂર છે.