Omicronના ફફડાટ વચ્ચે CM પટેલે કર્યું સિવિલ હોસ્પિટલનું Surprise checking, જુઓ Video
ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આ સાથે ઓમિક્રોનનો પણ ફફડાટ ફેલાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલના સ્ટાફ અને સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. નોંધનીય છે કે, રાજ્યમાં 24 કલાકમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 49 ઓમિક્રોન કેસ નોંધાયા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને સવારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યુ હતુ કે, ‘આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.અહીં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ-સફાઇ,દવાઓ,દર્દીઓને અપાતી સુવિધાઓની માહિતી મેળવી હતી.’
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો અંગે વાત કરીએ સમગ્ર ગુજરાતમાં 177 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 66 દર્દીઓ સાજા થયા છે. આમ કોરોનામાંથી સાજા થવાનો દર 98.67 ટકા થયું છે. રવિવારે એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું નથી. શનિવારે સાંજના પાંચ વાગ્યાથી રવિવારે સાંજના ચાર વાગ્યા સુધી 41031 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં 88196230 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના દર્દીઓની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કુલ 948 દર્દીઓ છે જેમાં 10 વેન્ટીલેટર ઉપર છે અને 938 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 818298 ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 10113 દર્દીઓના મોત નીપજ્યા હતા.