વાગરા : સારણ ગ્રામ પંચાયત સમરસ થતાં જશ્નનો માહોલ, બેન્ડ બાજા સાથે કરાઈ ઉજવણી
વાગરા તાલુકાના સારણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હમીદા મહેબૂબ રાજ બિન હરીફ થતાં સરઘસ કાઢી ઉજવણી કરવામાં આવી.
વાગરા
રિપોર્ટર – મુબારક દિવાન
ગ્રામ્ય સ્વરાજની ચૂંટણીઓનો ચારે તરફ માહોલ છે. ત્યારે વાગરા તાલુકામાં આવેલાં સારણ ગ્રામ પંચાયતનાં ઉમેદવાર બેન્ડ બાજા બારાત સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. સારણ ગામમાં બાપુ તરીકે વર્ચસ્વ ધરાવતા મહેબૂબ રાજનાં પત્ની હમીદા મહેબૂબ રાજે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મહેબૂબ રાજના સુપુત્રો ઈમ્તિયાઝ રાજ ઉર્ફે લાલા બાપુ સહિત ચાર પુત્રો અને પરિવારના સભ્યો સાથે સારણ ગામના ગ્રામજનો ડાન્સિંગ ઘોડા, બેન્ડ વાજા અને લક્ઝુરિયસ ગાડીઓના કાફલા સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યો હતો અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બાપુ તરીકે તાલુકા ભરમાં વર્ચસ્વ ધરાવતા ઈમ્તિયાઝ રાજ ઉર્ફે લાલા બાપુના મમ્મીએ ઉમેદવારી નોંધાવતા ચુંટણી પહેલા જ વિજયોત્સવની ઉજવણી અને શક્તિ પ્રદર્શન કરાયું હતું. સેંકડોની સંખ્યામાં સમર્થકો સરઘસમાં જોડાયા હતા. સરઘસમાં બાદશાહી લોકનૃત્ય, ઘોડેસવારી અને બેન્ડના તાલ પર લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ગામમાં સમરસ બોડી થતાં સરપંચ સાથે અન્ય 8 સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. તાલુકામાં 60 પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે જેને લઇને ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હતો આ અંતિમ દિવસે મોટા પ્રમાણમાં લોકોનો મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે ધસારો છવાયેલો જોવા મળી રહ્યો હતો આ તમામ ગામો વચ્ચે સારણ ગામનો ઉત્સાહ સાતમાં આસમાને જોવા મળ્યો હતો. આખા તાલુકામાં ઝાકમઝોળ અને સૌથી મોટા શક્તિ પ્રદર્શનની ઝાંખી જોવા મળી હતી. સારણ ગામ બિન હરીફ થતાં આતશબાજી અને સરઘસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.