ભરૂચમાં ધર્માતરણના નેટવર્કનો પર્દાફાશ: 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરવાના આરોપમાં 9 લોકો પર FIR
આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100થી વધુ લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતુ હોવાની આશંકાના આધારે લંડનમાં રહેતા એક શખ્સ સહિત 9 લોકો સામે આમોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
37 પરિવારને અપાઇ વિવિધ લાલચ
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના વસાવા હિન્દુ સમાજના 37 પરિવારોના 100થી વધુ આદિવાસીઓને પૈસા અને અન્ય પ્રકારની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં આરોપીઓએ આ આદિવાસીઓની નબળી આર્થિક સ્થિતિ અને આદિવાસી સમાજના સભ્યોની નિરક્ષરતાનો લાભ ઉઠાવીને તેમને ઇસ્લામિક ધર્મ અપનાવવાની લાલચ આપી હતી.
લંડનના હાજી ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ એકત્ર કરતા
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ લંડનમાં રહેતા વ્યક્તિ સિવાય તમામ 9 આરોપીઓ સ્થાનિક રહેવાસી છે. હાલમાં લંડનમાં રહેતા આરોપી ફેફડાવાલા જેણે આવા સંવેદનશીલ લોકોના ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ એકત્ર કર્યું હતું. ભરૂચ પોલીસે જણાવ્યું છે કે, વિદેશમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલની સંડોવણી સામે આવી છે. અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે.