गुजरात

પોરબંદર: રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના, ચીમનીમાં રિપેરિંગ દરમિયાન માચડો તૂટ્યો, ત્રણ મજૂરનાં મોત

પોરબંદર: રાણાવાવ ખાતે આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની માં ગુરુવારે બપોરે સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ મજૂરનાં મોત  થયા છે. જ્યારે ત્રણ મજૂરને રેસ્ક્યૂ દરમિયાન બચાવી લેવાયા છે. દુર્ઘટના બાદ કલાકો સુધી રેસ્ક્યૂ કામગીરી ચાલી હતી. આ દરમિયાન કાટમાળ નીચે ફસાયેલા ત્રણ મજૂરને બચાવી લેવાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની ખાનગી હૉસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમો બોલાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ પોરબંદર સિમેન્ટ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને બચાવ તેમજ રાહત કામગીરી સત્વરે મળે તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની બે ટીમ પણ આ કામગીરો માટે મોકલી આપવા જરૂરી સૂચના આપી હતી.

શું હતો બનાવ?

પોરબંદર જિલ્લામાં આવેલા રાણાવાવમાં ખાતે ગુરુવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં રાણાવાવા-આદિત્યાણામાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.માં ચીમનીમાં રીપેરિંગ કામ દરમિયાન ચીમની અંદર મૂકવામાં આવેલા ટેકા તૂટી પડ્યા હતા, જેના કારણે છ મજૂરો દટાયા હતા.

આ અંગે જાણ થતાં તાત્કાલિક રાહત કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. જ્યારે આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  પોરબંદરના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઝડપથી રાહત કાર્ય શરુ થાય તે માટે સૂચનાઓ આપી હતી. રાહત કાર્ય માટે એનડીઆરએફની ટીમોને પણ મોકલવાની સૂચના આપવામાં આવી હતી.

રિપેરિંગ કામ દરમિયાન માચડો તૂટ્યો

રાણાવાવ-આદિત્યાણામાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની હાથી સિમેન્ટ નામની સિમેન્ટ ફેક્ટરીમાં આવેલી 45 ફૂટ ઊંચી ચીમનીમાં આજે ગુરુવારે બપોરે રિપેરિંગ કામ ચાલતું હતું. રિપેરિંગ કામ કરવા માટે ત્રાપા ટેકાનો માંચડો બનાવ્યો હતો. આ માંચડો અચાનક ધડાકાભેર તૂટી પડતાં રિપેરિંગ કામ કરતા છ મજૂરો દટાયા હતા.

Related Articles

Back to top button