રાજ્યમાં 12 જુલાઇ સુધી વરસાદની શક્યતા નહીંવત, જગતનાં તાતની ચિંતા વધી

અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે અત્યારસુધીમાં 4.83 ઈંચ સાથે આ મોસમનો 14.63 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા પરંતુ જ્યારે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે ત્યારે વરસાદ ન વરસતા જગતનાં તાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 12 જુલાઇ સુધી ચોમાસું જામે નહીં તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજ્યમાં 25.02 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર તો કરી દીધું છે પરંતુ વરસાદ નહીં આવે તો ખેડૂતોનાં પાક સૂકાવવાની સ્થિતિ સર્જાશે.
વરસાદની જે રીતે સમયસર શરૂઆત થઈ હતી તેને લઇ ખેડૂતોએ ખેતરોમાં સારા બિયારણ નાંખીને વાવેતર કર્યું હતું. સમયસર વરસાદથી એક આશા બંધાઈ હતી કે, આ વર્ષે ચોમાસુ પાક સારો થશે પણ દર વખતની જેમ જગતના તાતને ફરી એકવાર નિરાશ થવાનો વારો આવ્યો છે. સારો વરસાદ થતા મકાઈ, સોયાબીન, કપાસનું વાવેતર ખેડૂતોએ કરી નાખ્યું અને છોડ પણ ઊગી નીકળ્યા પણ વરસાદે હાથ તાળી આપી દીીધી છે. જેના કારણે ઉગેલા છોડ મુરજાઈ રહયા છે.