સુરત: મકાન ખાલી કરાવવા બાબતે દેરાણીએ જેઠાણીને બચકું ભરી લીધું, મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરત: સુરતમાં અનેક વખત સાવ અલગ જ અને વિચિત્ર કિસ્સા સામે આવતા હોય છે. ગતરોજ આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તાર માં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો. વાત ફક્ત શાબ્દિક પ્રહારથી અટકી ન હતી, બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. જેમાં દેરાણીને તેની જેઠાણીને નખ મારીને બચકું (Bite) ભરી લીધું હતું. આ મામલે દેરાણી અને જેઠાણીએ સામસામે ફરિયાદ નોંધાવી છે. કતારગામ વિસ્તારમાં આ કિસ્સો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.
સુરતમાં દરરોજ અનેક ફરિયાદ પોલીસ મથકે પહોંચે છે. આ ફરિયાદોમાં મિલકત સંબંધી ફરિયાદો વધારે હોય છે. સુરતમાં ઝઘડા અને મારામારીની ફરિયાદો પણ મોટા પ્રમાણમાં પોલીસમાં સામે આવતી રહે છે. હવે સુરતમાં મિલકત માટે દેરાણી અને જેઠાણી વચ્ચે મારામારીની ફરિયાદ સામે આવી છે. આ કિસ્સામાં બંનેએ સામસામી ફરિયાદ નોંધાવી છે. જેમાં દેરાણીએ તેની જેઠાણીને બચકું ભરી લીધુ હતું. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બહુચરનગરમાં સુરેશ રાઠોડ તેની પત્ની હંસાબેન અને દીકરી સાથે રહે છે. મંગળવારે હંસાબેનનો દિયર દિનેશ અને દેરાણી દર્શના તેમજ દિનેશના સાસુ-સસરા આવ્યા હતા. જોકે, એક જ ઘરમાં રહેવાને લઈને દેરણી-જેઠાણી આમને-સામને થયા હતા. આ મામલે દિનેશે પોતાના ભાઈ સુરેશ અને તેની પત્નીને તેમના ફ્લેટમાં રહેવા જવા માટે કહ્યું હતું.
આ દરમિયાન સુરેશે ફ્લેટમાં કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. હંસાએ એવું જણાવ્યું હતું કે અમને બે દિવસ અહીં રહેવા દો, બે દિવસ બાદ અમે ચાલ્યા જઈશું. જોકે, આવી વાત બાદ દિનેશની પત્ની દર્શનાએ અત્યારે જ મકાન ખાલી કરો એવું કહ્યું હતું. આ વાત બાદ દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો.