ગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત

આજથી દેશવાસીઓ સાથે ગુજરાતીઓ પણ કોરોના સંક્રમણ સામે રાહતનો શ્વાસ લેશે. આજથી આખા દેશમાં કોરોના મહામારી સામે દુનિયાનું સૌથી મોટું રસીકરણનું અભિયાન શરૂ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સાડા દસ વાગ્યે રસી અપાવવાના દેશવ્યાપી કાર્યક્રમનો આરંભ કરાવશે તે બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલથી કોરોનાની રસી આપવાના કાર્યક્રમનો આરંભ કરાવશે.
પહેલા હેલ્થ વર્કરને રસી અપાશે
ગુજરાતમાં 161 સેન્ટરો પરથી રસી અપાવવાનો આરંભ કરવામાં આવશે. રસી લેવા જતાં દરેક સરકારી કર્મચારીઓએ તેમના ઓળખ કાર્ડ તેમની સાથે રાખવા પડશે. આજે પહેલા હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. સરકારી હૉસ્પિટલ્સના ડૉક્ટર, નર્સ, એક્સરે ટેકનિશિયન્સ, એમ્પ્યુલન્સ ડ્રાઈવર સહિતના તમામ હેલ્થ વર્કરને રસી આપીને આરંભ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે અંદાજે 11થી 11.30ના અરસામાં ગુજરાતભરમાં રસી અપાવવાનો આરંભ કરવામાં આવશે.