આજે PM મોદી રાજકોટ AIIMSનું કરશે ઈ-ખાતમુહૂર્ત, જાણો કેવી અધ્યતન સુવિધાઓથી થશે સજ્જ

જેની કેટલા દિવસોથી રાહ જોવાતી હતી તેવા રાજકોટ એઈમ્સનું આજે ખાતમુહૂર્ત છે. 31મી ડિસેમ્બર એટલે આજે PM મોદીના વીડિયો કોન્ફરન્સથી એઇમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં 200 એકરમાં 17 જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. મહત્વનું છે કે, એઇમ્સના 17 પ્લાનમાંથી 9 પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અન્ય માટે 2-3 દિવસમાં મંજૂરી મળી જશે.
રાજકોટ એઈમ્સનું ખાતમુહૂર્ત PM મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે. 200 એકર જમીનમાં રૂ.1195 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થશે. અગાઉ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના મહાનુભાવોએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા, મેઈનરોડથી સભાસ્થળ સુધીના રૂટના આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગર્દિશકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે મુદ્દે બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી.