અમદાવાદ: સાસુનો પ્રેગ્નેન્ટ પુત્રવધૂ પર અત્યાચાર, ‘કૂતરું રમાડે છે તો તારા છોકરા પણ એવા જ થશે’

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ તેની સાથે કૉલેજમાં ભણતા યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. બાદમાં દંપતી કેનેડા ગયું હતું. જ્યાં તેને ગર્ભ ન રાખવો હોવા છતાંય સાસુના કહેવાથી ગર્ભ રાખ્યો હતો. ત્યારે તેનો પતિ ઘરમાં કૂતરું લાવતા તેની સાસુ ગુસ્સે ભરાયા હતા. કોણે કૂતરું લાવવાનું કહ્યું તેમ કહી કૂતરા રમાડે છે તો તારા છોકરા પણ કૂતરા જેવા આવશે કહીને ત્રાસ ગુજાર્યો હતો. કેનેડામાં સોનોગ્રાફી કરાવી બેબી હોવાનું સામે આવતા કંઈ કામની નથી તેવું કહી યુવતીને ઇન્ડિયા મોકલી દીધી હતી. બાદમાં પતિએ ફોટો સોશિયલ મીડિયા પર મૂકવાની ના પાડી ત્રાસ ગુજારતા આખરે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
શહેરના મણિનગરમાં રહેતી 31 વર્ષીય યુવતી હાલ તેના માતાપિતા સાથે રહે છે. અગાઉ જ્યારે સહજાનંદ કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં આ યુવતી અને યુવકના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. યુવતીને તેના પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ 2014માં છૂટાછેડા લીધા હતા. જ્યારે યુવક મિત્ર પત્ની સાથે કેનેડા પીઆર પર જતો રહ્યો હતો. ત્યાં જતા યુવકને તેની પત્ની સાથે બનતું ન હતું. જેથી આ યુવક ઇન્ડિયા આવ્યો ત્યારે યુવતીના ભાઈએ તેને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં યુવકના છૂટાછેડા ન થયા હોવાથી યુવતીએ યુવક સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી થયું હતું.