‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ બુક હતો! | Pune Woman Pushes Fiance Off Three Hundred Fifty Feet Cliff For Lover In Shocking Murder

![]()
Pune Lohagad Fort Murder Case : ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શાંત થઈ નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ કિલ્લા પરથી આવી જ, એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 24 વર્ષીય કેતન અગ્રવાલના મોતને શરૂઆતમાં એક અકસ્માત માનવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં તેની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કાવતરું રચીને કેતનને 350 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હોવાનો પર્દાફાશ થયો છે. આવતા મહિને જેમના લગ્ન થવાના હતા, તે કેસ હવે હત્યાની તપાસમાં ફેરવાઈ ગયો છે.
લગ્ન અને જન્મદિવસની ભવ્ય તૈયારીઓ ચાલતી હતી
કેતન અગ્રવાલના લગ્ન આવતા મહિને જયપુરના એક આલીશાન પેલેસમાં થવાના હતા. આ સિવાય, 19 જૂને તેની મંગેતર સિયાનો જન્મદિવસ ખાસ બનાવવા માટે મહાબળેશ્વરના એક લક્ઝરી રિસોર્ટમાં 40 રૂમ બુક કરવામાં આવ્યા હતા. પરિવાર ખુશીઓમાં ડૂબેલો હતો, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે, આ ખુશીઓ માતમમાં ફેરવાઈ જશે.
બાલી ટ્રિપ પહેલા પાસપૉર્ટ ફાડી નાંખ્યો
લગ્ન પહેલા બંનેની બાલી યાત્રા પણ નક્કી હતી, પરંતુ અચાનક સિયાએ તેનો પાસપૉર્ટ ખોવાઈ ગયો હોવાનું બહાનું કાઢ્યું, જેથી ટ્રિપ કેન્સલ થઈ ગઈ. તપાસ દરમિયાન સામે આવ્યું કે જે હોટેલમાં તેઓ નાસ્તો કરવા રોકાયા હતા, ત્યાં સિયાએ પોતે જ પોતાનો પાસપૉર્ટ ફાડીને ફેંકી દીધો હતો.
હત્યાના બે અસફળ પ્રયાસો અને ત્રીજી વાર કાવતરું સફળ
પોલીસ તપાસ અનુસાર, 31 મેના રોજ પ્રથમ વખત બંને લોહગઢ કિલ્લે ગયા હતા, ત્યારે જ કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બન્યો હતો. ત્યારબાદ 14 જૂને ફરીથી લોહગઢ લઈ જઈને સાપનો ડર બતાવી ખાઈ તરફ ધકેલવાનો પ્રયાસ કરાયો, પણ તે નિષ્ફળ રહ્યો. અંતે 19 જૂને જન્મદિવસના દિવસે જ કથિત પ્રેમી ચેતનને ત્યાં બોલાવી કેતનને ધક્કો મારી દેવાયો.
તપાસ કઈ રીતે બદલાઈ?
શરૂઆતમાં ટ્રેકિંગ દરમિયાન સેલ્ફી લેતાં સંતુલન બગડ્યું હોવાની સ્ટોરી ઘડી કાઢવામાં આવી હતી. પરંતુ પૂણે ગ્રામીણ પોલીસે જ્યારે મોબાઇલ લોકેશન, કોલ ડિટેઇલ્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીની ટેકનિકલ તપાસ કરી, ત્યારે સિયા અને ચેતન વચ્ચેના પ્રેમ સંબંધો બહાર આવ્યા. પોલીસે કાર્યવાહી કરીને ચેતન ચૌધરી અને મંગેતર સિયા ગોયલ બંનેને કસ્ટડીમાં લઈ લીધા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.



