લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tragedy 15 Dead as Animation Centre Turns Into Death Trap

![]()
Lucknow Fire Tragedy: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ સેક્ટર-D વિસ્તારમાં આવેલી એક ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ બિલ્ડિંગના ઉપરના માળે ચાલતા એનિમેશન ટ્રેનિંગ સેન્ટર અને કોચિંગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ યુવા પ્રોફેશનલ્સ માટે આ ઇમારત ડેથ ટ્રેપ એટલે કે મોતનો કૂવો બની ગઈ હતી. આગના કારણે ચારેય તરફ કાળો ડિબાંગ ધુમાડો ફેલાઈ જતાં અંદર હાજર લોકોને બહાર નીકળવાનો રસ્તો મળ્યો ન હતો. આ ભયાનક અગ્નિકાંડમાં 15 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
‘પપ્પા મને બચાવી લો…’ માસૂમનો અંતિમ આક્રંદ
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારામાં બારાબંકીના ફતેહપુરનો રહેવાસી મોહમ્મદ શાહજહાં પણ સામેલ હતો. જ્યારે આગની જ્વાળાઓ તેને ઘેરી રહી હતી, ત્યારે તેણે અત્યંત લાચારીની સ્થિતિમાં તેના પિતાને ફોન કર્યો અને કહ્યું, ‘પપ્પા મને બચાવી લો…’ પુત્રનો આ આજીજીભર્યો અવાજ સાંભળીને પિતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં આગ એટલી વિકરાળ થઈ ચૂકી હતી કે ધુમાડાના ગોટેગોટા વચ્ચે તે ઇમારતમાં પ્રવેશી શક્યા નહીં અને લાચાર બનીને જોતા રહ્યા. શાહજહાં તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો, જે લખનઉમાં રહીને પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈ રહ્યો હતો.
આ જ રીતે એનિમેશન સ્ટુડિયોમાં કામ કરતા 25 વર્ષીય આદિત્ય શ્રીવાસ્તવે પણ તેના સાથી કર્મચારી ધીરજને ફોન કરીને બચાવી લેવાની આજીજી કરી હતી. આદિત્યની માતા જ્યારે તેને મળવા ઓફિસે પહોંચી ત્યારે તેની નજર સામે જ આખી ઇમારત સળગી રહી હતી અને અંતે આદિત્યનો મૃતદેહ જ બહાર આવ્યો હતો.
જીવ બચાવવા કોઈ બાથરૂમમાં છુપાયું તો કોઈએ ઉપરથી છલાંગ લગાવી
આગ એટલી ઝડપથી ફેલાઈ કે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો. જીવ બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાને બાથરૂમમાં લોક કરી દીધા હતા, જ્યારે એક યુવક અસહ્ય ગરમીને કારણે બારીમાંથી નીચે કૂદી પડતાં લોખંડની ગ્રીલ પર પછાડાઈને ગંભીર રીતે ઘાયલ થયો હતો. અન્ય એક બચેલા યુવાને જણાવ્યું કે, ચારેય તરફ બધું સળગી રહ્યું હોવાથી તેઓ સળગતા વાયરના સહારે નીચે કૂદ્યા હતા, જેમાં તેના બંને હાથ ગંભીર રીતે દાઝી ગયા હતા.
સ્થાનિક લોકો બન્યા દેવદૂત અને રેસ્ક્યુ ઓપરેશન
બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની 19 ગાડીઓ તહેનાત કરાઈ હતી, પરંતુ બિલ્ડિંગમાં અવરજવરનો એક જ રસ્તો હોવાથી ભારે મુશ્કેલી પડી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ બારીઓના કાચ તોડી ધુમાડો બહાર કાઢવા અને લોકોને બચાવવા પ્રયાસ કર્યો હતો. આખરે, રેસ્ક્યુ ટીમે બાજુની બિલ્ડિંગની દીવાલમાં હાઇડ્રોલિક કટર અને ડ્રીલિંગ મશીન વડે મોટું ગાબડું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. NDRF, SDRF અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી આશરે 3 કલાક સુધી ચાલેલું આ ઓપરેશન અંતે માત્ર મૃતદેહો બહાર કાઢવાનું સાધન બની રહ્યું હતું.
રહેણાંક પરમિશન પર કોમર્શિયલ બિલ્ડિંગ: તંત્રની ઘોર બેદરકારી
આ અકસ્માતે તંત્ર અને બિલ્ડિંગ માલિકોની મોટી બેદરકારી ખુલ્લી પાડી છે. તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2014માં નિયમોનું ઉલ્લંઘન કરીને આ રહેણાંક બિલ્ડિંગને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફેરવી દેવાઈ હતી. વિરેન્દ્ર પ્રસાદ શુક્લા અને તેમના ભાઈઓની માલિકીની આ ઇમારતમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો નહોતા કે ફાયર વિભાગનું NOC પણ લેવાયું ન હતું. પીડિત પરિવારોના સંબંધીઓએ આક્રોશ વ્યક્ત કર્યો કે તંત્રની બેદરકારીથી સામાન્ય નાગરિકો જ જીવ ગુમાવે છે.
મુખ્યમંત્રીની કડક કાર્યવાહીની ખાતરી
ઘટનાની જાણ થતાં જ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાસ્થળ તેમજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ KGMUના ડોક્ટરોને ઘાયલોની શ્રેષ્ઠ સારવાર કરવા સૂચના આપી છે અને આ દુર્ઘટના માટે જવાબદાર બિલ્ડિંગ માલિકો તેમજ અધિકારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે.



