राष्ट्रीय

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફોટ | Ayodhya Ram Mandir Donation Theft: SIT Exposes Major Security Lapses and Staff Role



Ram Mandir Controversy: અયોધ્યા શ્રી રામમંદિરમાં દાન અને પ્રસાદની રકમમાં થયેલી કથિત ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. SITની પ્રાથમિક તપાસમાં મંદિર પરિસરથી લઈને ટ્રસ્ટના રૂમ સુધી દરેક સ્તરે ઘોર બેદરકારી અને સુરક્ષા ક્ષતિઓ સામે આવી છે. રામમંદિર ટ્રસ્ટના ભંડોળ અને બેંકિંગ વ્યવહારો સંભાળતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા નોટો અલગ કરવા અને ગણવા માટે જે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો, તેના કર્મચારીઓ જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

કોઈ ચેકિંગ નહીં, પોતાના કપડાં પહેરીને જ થતી નોટોની ગણતરી

SITના રિપોર્ટ અનુસાર, વારાણસીની એક ખાનગી સુરક્ષા એજન્સીને SBI દ્વારા નોટોની ગણતરીનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. આ એજન્સીએ રામમંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોની ભલામણોના આધારે અયોધ્યાના જ સ્થાનિક યુવકોને નોકરી પર રાખ્યા હતા. જોકે, અનુકુલ મિશ્રા નામના કર્મચારીએ પોતાના સાળા લવકુશ મિશ્રાને અહીં નોકરીએ રખાવ્યો હતો. નિયમ મુજબ તમામ કર્મચારીઓ માટે ખાસ યુનિફોર્મ નક્કી કરાયો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે કોઈ કર્મચારી યુનિફોર્મ પહેરતો નહોતો અને પોતાના જ કપડાં પહેરીને રૂમમાં બેસી નોટો ગણતા હતા. કર્મચારીઓના આગમન અને પ્રસ્થાન સમયે કોઈ પ્રકારનું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવતું નહોતું. કોણ રૂમની અંદર શું લાવી રહ્યું છે અને બહાર શું લઈ જઈ રહ્યું છે તેની દેખરેખ રાખવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું હતું.

CCTV કેમેરા સામે ઊભા રહીને કરતા ચોરી!

સૌથી વધુ આઘાતજનક બાબત સીસીટીવી (CCTV) ફૂટેજના ઓડિટમાં સામે આવી છે. બેન્ક અને એજન્સીના કર્મચારીઓ એટલા બેફામ બન્યા હતા કે તેઓ દાનની રકમ ચોરવા માટે જાણીજોઈને સીસીટીવી કેમેરાની બિલકુલ સામે આવીને ઊભા રહી જતા હતા, જેથી પાછળ થઈ રહેલી નોટોની ઉચાપત કેમેરામાં કેદ ન થાય. દાનપેટીઓ લાવવાથી લઈને બેન્કમાં જમા કરાવવા સુધીની આખી ચેઇનમાં ગંભીર બેદરકારી મળી આવી છે.

SITએ CM યોગીને રિપોર્ટ સોંપ્યો 

SITની ટીમે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને પોતાનો પ્રારંભિક અહેવાલ રજૂ કરી દીધો છે, જેના આધારે હવે વિગતવાર રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. બીજી તરફ તપાસમાં કોઈ અવરોધ ન આવે તે માટે SIT દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ તપાસના દાયરામાં આવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓને પૂર્વ મંજૂરી વિના અયોધ્યા છોડવા પર સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પૂછપરછ માટે તમામ સંબંધિત લોકોની હાજરી અનિવાર્ય રાખવા આ આદેશ કરાયો છે.

CBI અને CAG તપાસની માંગ સાથે અલ્હાબાદ હાઈકોર્ટમાં PIL

રામમંદિર જેવા પવિત્ર સ્થળે થયેલી આ નાણાકીય અનિયમિતતા અને કથિત ઉચાપતની ગંભીરતાને જોતાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સમગ્ર કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને દેશની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) પાસે કરાવવાની માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટની કોર્ટ નંબર 2 માં આ કેસ સૂચિબદ્ધ થયો છે અને ટૂંક સમયમાં જ તેની પર સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.



Source link

Related Articles

Back to top button