મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Israel Hezbollah Ceasefire Brokered By US And Qatar As Trump Pressures Netanyahu

![]()
Israel-Hezbollah Ceasefire : મિડિલ ઈસ્ટમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી એકવાર ભયાનક લડાઈ થયા બાદ હવે બંને પક્ષો સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ માટે સંમત થયા છે. રોયટર્સ ન્યૂઝ એજન્સીને એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ આપેલી માહિતી અનુસાર, આ સીઝફાયર શુક્રવારે સ્થાનિક સમય મુજબ બપોરે 4 વાગ્યાથી અમલમાં આવી ગયું છે.
અમેરિકા-કતારની મધ્યસ્થતા અને ઈરાનનો સાથ
અમેરિકી અધિકારીના જણાવ્યા પ્રમાણે, અમેરિકા અને કતારના મધ્યસ્થોએ ઈરાનની મદદથી આ સીઝફાયર ડીલ તૈયાર કરી છે. આ ડીલ હેઠળ અમેરિકા, ઈરાન અને તેમના સહયોગી દેશોએ જાહેરાત કરવાની રહેશે કે, લેબનોન સહિત તમામ મોરચે સૈન્ય ઓપરેશન્સ તાત્કાલિક અને હંમેશા માટે બંધ કરવામાં આવે. હિઝબુલ્લાહના એક સાંસદે પણ અગાઉ સંકેત આપ્યો હતો કે, જ્યાં સુધી પૂર્ણ યુદ્ધવિરામ લાગુ નહીં થાય ત્યાં સુધી વોશિંગ્ટન સાથે વાતચીત આગળ વધી શકે નહીં.
આ પણ વાંચો : VIDEO: ટ્રમ્પે અપમાન કરતા મેલોનીને આવ્યો ગુસ્સો, કહ્યું ‘શરમજનક, જૂઠ બોલવાની હદ હોય છે’
નેતન્યાહૂ 100% સંમત પણ સત્તાવાર પુષ્ટિ બાકી
એક અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લેબનોનમાં સીઝફાયરને રીન્યૂ કરવા માટે 100% સંમત છે. જોકે, નેતન્યાહૂની ઓફિસ તરફથી હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સીઝફાયર પહેલા રાતભર ભીષણ હુમલા
યુદ્ધવિરામની જાહેરાત પહેલા લેબનોનમાં રાતભર ભયાનક હિંસા જોવા મળી હતી. ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં લેબનોનમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હોવાની માહિતી ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે. બીજી તરફ, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના હુમલામાં 4 ઈઝરાયેલી સૈનિકો માર્યા ગયા હતા, જેને અધિકારીઓએ આ જંગનો સૌથી ખતરનાક હુમલો ગણાવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું ભારે દબાણ અને કડક વલણ
આ શાંતિ બહાલી પાછળ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારે દબાણ હોવાનું સામે આવ્યું છે. ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફોન કરીને સીધા શબ્દોમાં ખખડાવ્યા હતા કે, ઈઝરાયેલની કાર્યવાહી ઘણી વધારે કડક અને ખતરનાક થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે, જો ઈમારતમાં હિઝબુલ્લાહનો એક માણસ હોય તો આખી બિલ્ડિંગ તોડી પાડવી યોગ્ય નથી. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે ગુસ્સામાં નેતન્યાહૂને યાદ અપાવ્યું હતું કે ‘જો હું ન હોત તો ઈઝરાયેલનું અસ્તિત્વ ન હોત અને તું જેલમાં હોત.’



