શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Avimukteshwaranand Gets Clean Chit In Train Attack Case GRP Response

![]()
Shankaracharya Avimukteshwaranand : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જીઆરપી (GRP) પોલીસ સ્ટેશનમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર (FIR)માં તેમને ક્લીન ચિટ મળી ગઈ છે. આ અંગેની માહિતી શંકરાચાર્યના મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગીરાજ સરકારે એક યાદી જાહેર કરીને આપી છે. જોકે, જીઆરપી પોલીસે અત્યારે આ મામલે આ પ્રકારની કોઈ પણ માહિતી હોવાનો ઈનકાર કર્યો છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ આશુતોષ બ્રહ્મચારીએ એફઆઈઆર નોંધાવી હતી, જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ટ્રેનમાં તેમના પર જીવલેણ હુમલો કરાવવામાં આવ્યો હતો. આ મામલો ઘણા દિવસો સુધી હેડલાઇન્સમાં રહ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આશુતોષ બ્રહ્મચારી પર 8 માર્ચે રીવા એક્સપ્રેસ ટ્રેનમાં કથિત હુમલો થયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગાઝિયાબાદથી પ્રયાગરાજ જતી વખતે રીવા એક્સપ્રેસ ટ્રેનમાં 8 માર્ચ 2026ના રોજ સવારે 5:00 વાગ્યે સિરાથુ સ્ટેશન પાસે હુમલો થયો હતો. એક અજ્ઞાત હુમલાખોરે ધારદાર હથિયાર વડે નાક કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસમાં ક્લિન ચિટનો દાવો
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગીરાજ સરકારની અખબારી યાદી મુજબ, આશુતોષ બ્રહ્મચારીએ જે આરોપો લગાવ્યા હતા, તે તપાસમાં સંપૂર્ણપણે નકલી અને ખોટા સાબિત થયા છે, જેના આધારે શંકરાચાર્યને ક્લીન ચિટ આપી દેવામાં આવી છે.
જીઆરપી (GRP)નો ઈનકાર
આ મામલે એસપી જીઆરપી (SP GRP) પ્રયાગરાજ પ્રશાંત વર્માએ માહિતી હોવાનો ઈનકાર કર્યો છે. તેમણે આ કેસ ખોટો સાબિત થવા અને ફાઈનલ રિપોર્ટ સબમિટ કરાયો હોવાની પુષ્ટિ કરી નથી, જેના કારણે હવે આ મામલો વધુ ગૂંચવાયો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન શાહી સ્નાન વખતે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો પોલીસ અને વહીવટીતંત્ર સાથે વિવાદ થયો હતો, જેમાં તેમની સાથેના બટુકો (શિષ્યો)ના ચોટલી પકડીને માર મારવાના આક્ષેપો થયા હતા. શંકરાચાર્ય આ ઘટના બાદ ઘણા દિવસો સુધી ધરણા પર બેઠા હતા, અને આ મામલાએ રાજકીય રંગ પકડ્યો હતો. આ દરમિયાન આશુતોષ બ્રહ્મચારીએ શંકરાચાર્ય પર બાળકોના યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો હતો.



