राष्ट्रीय

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis live mps meeting sanjay raut



Shiv Sena UBT Crisis, Only 3 MPs Attend Uddhav Meeting : મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલો હાઇવોલ્ટેજ ડ્રામા હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના(UBT)માં મોટા ભંગાણની અટકળો વચ્ચે, ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે પક્ષની સંસદીય બેઠક યોજાઈ હતી. પરંતુ પક્ષ દ્વારા કડક આદેશ અને ‘વ્હીપ’ જાહેર કરાયો હોવા છતાં, સવારે 11 વાગ્યાના નિયત સમયે 9માંથી માત્ર 3 લોકસભા સાંસદો જ બેઠકમાં હાજર રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં ભંગાણ નક્કી; 9માંથી 3 જ સાંસદ હાજર

બળવાખોર કેમ્પનો હિસ્સો હોવાનું મનાતું હોય તેવા 6 સાંસદોમાંથી એક પણ નેતા આ બેઠકમાં ફરક્યા નથી. આ ઘટનાથી ઉદ્ધવ જૂથને મોટો ઝટકો લાગ્યો છે અને પક્ષ વિભાજન સત્તાવાર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

ગેરહાજર સાંસદો ગદ્દાર: રાઉત

બેઠકમાં કયા સાંસદો હાજર છે અને કોણ ગેરહાજર છે તેનું ચોક્કસ આકલન કરવા માટે પક્ષ દ્વારા એક સ્પેશિયલ એટેન્ડન્સ રજિસ્ટર (હાજરી પત્રક) તૈયાર કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર રહેલા વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સંસદ ભવન પહોંચતા જ પત્રકારો સામે કડક વલણ અપનાવતાં કહ્યું કે, જે લોકો બેઠકમાં આવ્યા છે તે આપણા છે. જેઓ નથી આવ્યા તે ગદ્દાર અને અપ્રમાણિક છે. 

કયા 3 સાંસદ હાજર રહ્યા? 

બેઠકમાં હાજર રહેલા 3 લોકસભા સાંસદોમાં અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજેનો સમાવેશ થાય છે. 

વ્હીપ જાહેર કરવા છતાં 6 સાંસદ બેઠકથી ગાયબ

મુખ્ય પ્રવક્તા અરવિંદ સાવંતે આ બેઠક માટે વ્હીપ જાહેર કર્યો હતો અને સંકેત આપ્યા હતા કે ગેરહાજર રહેનારા સાંસદો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સભ્યપદ રદ કરાવવા માટેની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

‘જ્યાં ઠાકરે, ત્યાં જ અસલી શિવસેના’

દિલ્હીમાં અરવિંદ સાવંત સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સંજય રાઉતે એકનાથ શિંદેના જૂથને અસલી શિવસેના તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તેમણે કેન્દ્રીય એજન્સીઓના દબાણ અને લોકશાહીને નબળી પાડવાના પ્રયાસોના આક્ષેપો લગાવતા પડકાર ફેંક્યો કે, એકનાથ શિંદે જૂથ અસલી શિવસેના હોવાનો દાવો કેવી રીતે કરી શકે? શિવસેનાની ઓળખ હંમેશા ઠાકરે પરિવારના નેતૃત્વ સાથે જોડાયેલી રહી છે. જ્યાં ઠાકરે છે, ત્યાં જ અસલી શિવસેના છે. 

શિંદે કેમ્પનો દાવો: ઓપરેશન ટાઇગર સફળ રહ્યું 

બીજી તરફ, એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ ‘ઓપરેશન ટાઇગર’ સફળ રહ્યું હોવાની ઉજવણી કરી રહ્યા છે. શિંદે જૂથના MLC ચંદ્રકાંત રઘુવંશીએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં ઓપરેશન ટાઇગર સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઉદ્ધવ સેનાના 6 સાંસદોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરીને શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે, જેનાથી આપણું સંગઠન વધુ મજબૂત બનશે. 

ઉદ્ધવ જૂથના સાંસદોએ લોકસભા સ્પીકર સાથે ગુપ્ત બેઠક યોજી પત્ર સોંપ્યો 

મળતી વિગતો મુજબ, શિંદે કેમ્પના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ 6 બળવાખોર સાંસદો ગુપ્ત રીતે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને શિંદે જૂથ સાથેના વિલીનીકરણને સત્તાવાર માન્યતા આપતો પત્ર સોંપી દીધો છે. 

કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે આ અંગે જણાવ્યું કે આ પત્ર હવે લોકસભા સ્પીકરના કાર્યક્ષેત્રમાં છે અને તેઓ જ તેના પર અંતિમ કાનૂની નિર્ણય લેશે.

રામદાસ આઠવલેનું મોટું નિવેદન- 2019માં ઉદ્ધવે કરેલી ભૂલનું પરિણામ છે બળવો 

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ સંકટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે માટે તેમના સાંસદો અને ધારાસભ્યોને એક રાખવા મુશ્કેલ બની ગયા છે અને આ બધું તેમના વર્ષ 2019ના ખોટા રાજકીય નિર્ણયના કારણે થઈ રહ્યું છે. આઠવલેના મતે, જો ઉદ્ધવે તે સમયે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપીને ડેપ્યુટી સીએમ પદ સ્વીકાર્યું હોત તો આજે આ સ્થિતિ ન સર્જાત.

તેમણે દાવો કર્યો કે આ 6 સાંસદોના જોડાવાથી NDA અને મહાયુતિ ગઠબંધન વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં વિરોધ પક્ષોના વધુ સાંસદો મોદી સરકારને બહુમતી અપાવવા માટે સાથે આવી શકે છે.



Source link

Related Articles

Back to top button