બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Maharashtra Politics: Sharad Pawar’s Power Plan for Shiv Sena UBT Split

![]()
Maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષમાં ફૂટ પડવી હવે નિશ્ચિત થઈ ગઈ છે. બળવાખોર સાંસદો સામે એક્શન લેવા માટે બુધવારે ત્રણ લાઇનનો વ્હીપ જારી કરીને ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદીય દળની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ વ્હીપને ઘોળીને પી જતાં પક્ષના 9માંથી 6 સાંસદો આ બેઠકમાંથી ગાયબ રહ્યા હતા અને માત્ર 3 જ સાંસદો હાજર રહ્યા હતા. આ કથિત ‘ઓપરેશન ટાઇગર’ વચ્ચે હવે એનસીપી પ્રમુખ શરદ પવારની પણ એન્ટ્રી થઈ છે. રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે શરદ પવારે તેમને ફોન કરીને બળવાખોરોને બરાબરનો પાઠ ભણાવવા માટે કહ્યું છે.
શરદ પવાર સાથે શું વાત થઈ? સંજય રાઉતનો મોટો દાવો
પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉતે દાવો કર્યો હતો કે વિપક્ષના વરિષ્ઠ નેતા શરદ પવારનો તેમની પર ફોન આવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ છે કે આ ‘ગદ્દારો’ને કોઈ પણ કાળે છોડવાના નથી અને જે સાંસદ પક્ષ છોડીને જાય તેના વિસ્તારમાં જઈને ‘રાડો’ (હંગામો/વિરોધ) કરો. રાઉતે વધુમાં કહ્યું કે, પવારે તેમને ખાતરી આપી છે કે તેઓ પોતે ઉદ્ધવ જૂથના નેતાઓ સાથે પક્ષપલટો કરનારા સાંસદોના મતવિસ્તારમાં જશે અને ત્યાં જાહેરસભાઓ (રેલીઓ) કરીને જનતાની વચ્ચે તેમને ખુલ્લા પાડશે. આ નેતાઓને સબક શીખવવો હવે અનિવાર્ય બની ગયો છે. જોકે, શરદ પવારની પાર્ટી તરફથી આ ફોન કોલ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
ગેરહાજર રહેલા 6 સાંસદોને મોકલાશે નોટિસ
ગુરુવારે યોજાયેલી આ મહત્ત્વની બેઠકમાં માત્ર અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજે જ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ અનિલ દેસાઈએ સ્પષ્ટ કર્યું કે જે સાંસદો ગેરહાજર રહ્યા છે તેમને પક્ષ તરફથી કારણદર્શક નોટિસ મોકલવામાં આવશે. આ અગાઉ અરવિંદ સાવંતે પણ આકરા તેવર બતાવતાં કહ્યું હતું કે વ્હીપ તમામ સાંસદોને ઘરના સરનામે, ઈમેઇલ અને વોટ્સએપ દ્વારા મોકલાયો હતો. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરીને વ્હીપનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરાશે. તેમણે દિવંગત બાળાસાહેબ ઠાકરેના જૂના નિવેદનને યાદ કરતા એમ પણ કહ્યું કે, પક્ષ બદલનારાઓને બરાબરના ફટકારવા જોઈએ.
સ્પીકર ઓમ બિરલાને સોંપ્યો પત્ર, શિંદે જૂથમાં જોડાવાની તૈયારી
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બેઠકમાં ગેરહાજર રહેલા તમામ 6 સાંસદો- નાગેશ આષ્ટીકર, સંજય દેશમુખ, સંજય જાધવ, સંજય દીના પાટીલ, ઓમપ્રકાશ રાજેનિમ્બાળકર અને ભાઉસાહેબ વાકચૌરે એક થઈ ગયા છે. દલ-બદલ વિરોધી કાયદા (એન્ટી ડિફેક્શન લો) હેઠળ પોતાની સદસ્યતા બચાવવા માટે કુલ 9માંથી ઓછામાં ઓછા 6 (બે તૃતીયાંશ) સાંસદોનું એકસાથે હોવું જરૂરી છે. આ તમામ 6 બળવાખોર સાંસદોએ સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં પક્ષના વિલયની માંગ કરતો એક પત્ર તૈયાર કરીને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોંપી દીધો છે. સ્પીકર ઑફિસ દ્વારા હવે આગામી દિવસોમાં આ સાંસદોને રૂબરૂ બોલાવીને વેરિફિકેશન (ચકાસણી) કર્યા બાદ આગળની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે.



