અમદાવાદ : PI રાઠવાની બદલી બાદ પોલીસ કર્મીઓએ સપોર્ટમાં વોટ્સએપ ડીપી-સ્ટેટ્સ મૂક્યા, જાણો શું છે મામલો
અમદાવાદ : વાડજ પીઆઇ જીગ્નેશ રાઠવાની અચાનક બદલી બાદ હવે શહેર પોલીસના અધિકારી અને કર્મચારીઓ પોતાના વોટ્સએપ ડીપી અને સ્ટેટ્સમાં પીઆઇ રાઠવાના ફોટો મૂકી આઈ સપોર્ટ યુ તેવું લખાણ લખી રહ્યા છે. આ સાથે તેઓને સમર્થન આપી તેમની બદલીનો આડકતરી રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ નું કહેવું છે કે, પીઆઇ રાઠવાએ આ સંતોના ચેલાઓને પટ્ટે પટ્ટે માર્યા અને ‘આદિવાસી સંત તો હું જ છું’ તેવું ઉદબોધન કર્યું હોવાની ઓડિયો ક્લીપ સામે આવતા આ કાર્યવાહી કરાઈ છે. જોકે, હકીકત શું છે તે તો એસીપીને સોંપાયેલી તપાસમાં જ સામે આવશે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ
પોલીસ વિભાગમાં અનેક વાર એવુ જોવા મળતું હોય છે કે, કોઈ અધિકારીની બદલી થાય અને પોલીસ વિભાગ તેમના સમર્થનમાં આવી જાય. આ વખતે પણ એવું જ થયું છે, વાડજ પીઆઇ રાઠવાની પોલિટિકલી બદલી થઈ કે તેમના વર્તનના આધારે તેમની બદલી થઈ તે કોઈ જાણતું નથી. પણ માત્ર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે.
પીઆઈ રાઠવાએ શું કર્યું હતું?
ગુજરાતના પોલીસ જવાનોએ પોતાના વ્હોટસએપ ડીપી અને સ્ટેટ્સમાં પીઆઈ રાઠવાનો ફોટો મૂકી પોતાનો વિરોધ અને લાગણી વ્યક્ત કરી છે. આ બદલીથી અન્યાય થયાની ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડતા ખુદ ડીસીપી ઝોન 1 પી.એલ.માલએ પત્રકાર પરિષદ કરી ખુલાસો કરવો પડ્યો હતો. વાડજ પીઆઈ જે.એ.રાઠવાએ કરફ્યુ સમયમાં પસાર થતી સંતની ગાડી રોકી અને કાર્યવાહી કરી હતી. જો કે, ધારાસભ્યોના ફોન આવતાં જે તે લોકોને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દંડ લઈ જવા દેવામાં આવ્યા હતા. આ મામલો પૂરો થયા બાદ તેઓની સ્પેશ્યલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી હતી.
કેમેરા પાછળ શું ચાલી રહી છે ચર્ચા?
પીઆઈ રાઠવાની બદલીને પગલે શહેર પોલીસ બેડામાં ચર્ચાએ શરૂ થઈ કે આ ખોટું થયું છે. જોકે અધિકારીઓ પડદા પાછળ એવું કહી રહ્યા છે કે, પીઆઇ રાઠવા ગરમ સ્વભાવના અને મોં છૂટા છે. તેઓની ઓડિયો કલીપ પણ સામે આવી છે. જેમાં તેઓ પકડેલા લોકોને નિયમ ભંગ કરવા બદલ પટ્ટેથી માર્યા હોય તેવી વાત સામે આવી છે. આટલું જ નહીં પીઆઇ રાઠવા એવું પણ બોલે છે કે, અમારા સમાજનો સંત હું જ છું. આ વાતના આધારે તેઓની બદલી કરાઈ છે.