NEET વિવાદ બાદ રાહુલ ગાંધી એક્શનમાં, રાજસ્થાનના કોટાથી શરૂ કરશે પેપર લીક વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન | NEET Row Rahul Gandhi To Launch Nationwide Campaign Against Paper Leaks From Kota On June 17

![]()
Nationwide Campaign Against Paper Leaks : દેશમાં NEET પરીક્ષાના પેપર લીક વિવાદ અને શૈક્ષણિક ગેરરીતિઓને લઈને રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન કૉંગ્રેસ પાર્ટીએ 13 જૂનના રોજ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, પક્ષના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આગામી 17 જૂનથી રાજસ્થાનના પ્રખ્યાત કોચિંગ હબ કોટા (Kota)થી પેપર લીક, પરીક્ષાઓની અનિયમિતતાઓ અને બેરોજગારી વિરુદ્ધ એક દેશવ્યાપી આંદોલનની શરૂઆત કરશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે સત્તાવાર નિવેદન જાહેર કરીને આંદોલનના પ્રથમ તબક્કાની રૂપરેખા આપી છે. તેમણે કહ્યું કે, ‘મોદી સરકાર દ્વારા ભારતના યુવાનો સાથે કરવામાં આવી રહેલા વ્યવસ્થિત વિશ્વાસઘાત અને પરીક્ષાઓના કૌભાંડો સામે રાહુલ ગાંધી દેશભરના વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના અવાજને બુલંદ કરશે.’
આંદોલનના પ્રથમ તબક્કાનું શિડ્યુલ (4 મોટો વિદ્યાર્થી સંમેલનો)
રાહુલ ગાંધી પ્રથમ તબક્કા હેઠળ દેશના વિવિધ રાજ્યોમાં 4 મોટા વિદ્યાર્થી સંમેલનો (Student Conventions)ને સંબોધિત કરશે અને અસરગ્રસ્ત યુવાનો સાથે સીધો સંવાદ કરશે.
17 જૂન: કોટા (રાજસ્થાન)થી દેશવ્યાપી અભિયાનની શરૂઆત
10 જુલાઈ: અલ્હાબાદ (પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ)
10 જુલાઈ: પટના (બિહાર)
14 જુલાઈ: નવી દિલ્હી
આ ઝુંબેશને દેશભરમાં સફળ બનાવવા માટે કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI, યુવા કૉંગ્રેસ, પ્રદેશ કૉંગ્રેસ સમિતિઓ (PCCs) અને જિલ્લા કૉંગ્રેસ સમિતિઓ (DCCs) દ્વારા મોટા પાયે આઉટરીચ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. કોચિંગ સેન્ટરો, યુનિવર્સિટીઓ, શાળાઓ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કૉંગ્રેસની મુખ્ય માંગણીઓ અને એજન્ડા
કે. સી. વેણુગોપાલે જણાવ્યું કે આ જન આંદોલન કોઈ રાજકીય જોડાણથી પર રહીને દેશના યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આંદોલન દરમિયાન કૉંગ્રેસ સરકાર સામે નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરશે:
NEETનું વિકેન્દ્રીકરણ: NEET પરીક્ષાનું વિકેન્દ્રીકરણ (Decentralisation) કરવામાં આવે.
પરીક્ષા ફી નાબૂદી: સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લેવાતી ફોર્મ ફી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે.
કડક કાનૂની કાર્યવાહી: પેપર લીક રેકેટ અને કૌભાંડોમાં સંકળાયેલા માફિયાઓ વિરુદ્ધ કડક કાનૂની પગલાં લેવાય.
ઉચ્ચ સ્તરે જવાબદારી: દેશના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ખિલવાડની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે.
કોટા અને સીકર કેમ છે આંદોલનનું કેન્દ્ર?
રાજસ્થાનનું કોટા દર વર્ષે JEE અને NEET જેવી અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે દેશભરમાંથી આવતા લાખો વિદ્યાર્થીઓનું ગઢ છે. તાજેતરમાં જ રાજસ્થાનના અન્ય એક કોચિંગ હબ સીકર (Sikar)માં NEET પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો ખુલાસો થયો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.
આગામી 21 જૂનના રોજ યોજાનારી NEETની રી-એક્ઝામ (Re-Exam) થી દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પ્રભાવિત થયા છે. આ જ કારણ છે કે, રાહુલ ગાંધીએ યુવાનોના આક્રોશને વાચા આપવા માટે કોટાથી આ રાષ્ટ્રીય આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ, ડિસેમ્બર 2022 માં પોતાની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન પણ રાહુલ ગાંધીએ કોટામાં વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કર્યો હતો.


