मनोरंजन

‘રૂ.370 બિરયાની’નો વિવાદ: સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણીત મોરેએ માંગી માફી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’ | comedian pranit more issues public apology after 370 rupees biryani row gurugram



Pranit More Public Apology: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વિવાદિત ‘₹370 બિરયાની’ કિસ્સામાં આખરે સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેએ શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને દેશભરના લોકોની માફી માંગી છે. ગુરુગ્રામમાં યોજાયેલા તેના એક શો દરમિયાન મહિલાઓ વિરુદ્ધ અત્યંત વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી, જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. પ્રણિતે સ્વીકાર્યું છે કે લોકો તરફથી તેને જે નફરત અને આક્રોશ મળી રહ્યો છે, તે તેને લાયક જ છે.

વીડિયો જાહેર કરી કોમેડિયને શું કહ્યું?

પ્રણિત મોરેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક માફી વીડિયો શેર કર્યો છે. તેણે જણાવ્યું કે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું હોવાને કારણે તે આ વાત વહેલી નહોતો કહી શક્યો.

આ વિશે પ્રણિત કહે છે, ”મેં જે ક્રાઉડ વર્ક કર્યું હતું, તેના કારણે મને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મને લાગે છે કે હું કદાચ આ નફરતને લાયક પણ છું. કારણ કે જ્યારે હું તે યુવક સાથે વાતચીત કરી રહ્યો હતો, ત્યારે તેણે મહિલાઓ વિશે અત્યંત અપમાનજનક વાતો કહી હતી. ત્યાં હાજર બધા લોકો પણ હસી રહ્યા હતા, તેથી હું પણ વહેણ સાથે તણાઈ ગયો અને મારાથી યોગ્ય નિર્ણય ન લેવાયો.”

પ્રણિતે વધુમાં ઉમેર્યું, “મને લાગે છે કે આ મારી સૌથી મોટી ભૂલ હતી. હું ઈચ્છતો તો તેને ત્યાં જ રોકી શકતો હતો, તેની સામે સ્ટેન્ડ લઈ શકતો હતો, જે હું ન કરી શક્યો. ઊલટાનું, મેં તેને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું જેના કારણે આ બાબત આટલી વધી ગઈ. આનાથી જે કોઈની પણ લાગણી દુભાઈ છે, તે બધાની હું માફી માંગુ છું. મારી સામે જે પણ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે, તેમાં હું પોલીસ અને સત્તાવાળાઓને પૂરો સાથ આપી રહ્યો છું. હું બસ એટલી જ વિનંતી કરું છું કે મને મારી ભૂલ સુધારવા માટે એક વધુ તક આપવામાં આવે, હું એક સારો માણસ બનીને બતાવીશ.”

શું છે આ ‘₹370 બિરયાની’ વિવાદ?

આ સમગ્ર વિવાદ ગુરુગ્રામમાં પ્રણિત મોરેના એક લાઈવ સ્ટેન્ડ-અપ કોમેડી શો દરમિયાન શરૂ થયો હતો. શોના ‘ક્રાઉડ વર્ક’ સેગમેન્ટ દરમિયાન ઓડિયન્સમાં બેઠેલા હિમાંશુ જાંગડા નામના યુવકે એક કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું કે તે એક યુવતી સાથે બહાર જમવા ગયો હતો અને ત્યાં તેણે ₹370ની બિરયાની મંગાવી હતી. જમ્યા પછી યુવતીએ તેને ઘરે ડ્રોપ કરવાનું કહ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો.

તેણે શોમાં ખુલ્લેઆમ અત્યંત અભદ્ર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “મેં કહ્યું કે ₹370 ખર્ચાયા છે, તો તેને વસૂલ તો કરીશ જ.” તેણે આડકતરી રીતે શારીરિક સંબંધો તરફ ઈશારો કર્યો હતો. આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકોએ તે યુવકની વિકૃત માનસિકતા અને કોમેડિયન પ્રણિત દ્વારા તેને ન રોકવા બદલ બંનેને આડે હાથ લીધા હતા.

આ પણ વાંચો: ‘સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝને બદનામ કરવાનું પ્લેટફોર્મ નથી…’ હાઈકોર્ટે સલમાન ખાનના પાડોશીને ખખડાવ્યો!

NCWએ પાઠવ્યું સમન્સ, મહારાષ્ટ્ર સાયબર પોલીસે નોંધી FIR

મહિલાઓ વિરુદ્ધ જાતીય સતામણીને પ્રોત્સાહન આપતી અને સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડતી આ ટિપ્પણીની રાષ્ટ્રીય મહિલા આયોગે ગંભીર નોંધ લીધી છે. મહિલા આયોગે આ મામલે જાતે સંજ્ઞાન લઈને કોમેડિયન પ્રણિત મોરે અને ટિપ્પણી કરનાર હિમાંશુ જાંગડા બંનેને સમન્સ પાઠવી હાજર થવા આદેશ આપ્યો છે. મહિલા આયોગે ચિંતા વ્યક્ત કરી છે કે સ્ત્રીની સંમતિ અને ગરિમાના અપમાનને મનોરંજન તરીકે રજૂ કરવું એ સમાજ અને મહિલાઓની સુરક્ષા માટે અત્યંત જોખમી છે.

બીજી તરફ, આ વાયરલ વીડિયો મામલે એક્શન લેતા મહારાષ્ટ્ર સાયબર પોલીસે પણ કોમેડિયન પ્રણિત મોરે વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદાકીય તપાસ શરૂ કરી દીધી છે. 





Source link

Related Articles

Back to top button