અડધી રાતે પોલીસ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં ઘૂસી, અભિષેક બેનરજીએ પૂછ્યું- કંઈ મળ્યું? | Kolkata Police Break Lock of Abhishek Banerjee House Massive Search Operation Conducted

![]()
Abhishek Banerjee house raid Kolkata : પશ્ચિમ બંગાળના રાજકારણમાં શનિવારની વહેલી સવારે એક મોટો આંચકો આવ્યો છે જ્યારે કોલકાતા પોલીસ, શાલબલી પોલીસ અને કેન્દ્રીય દળો (Central Forces)ની એક સંયુક્ત ટીમ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને ત્રાટકી હતી. ઓપરેશન દરમિયાન પોલીસે અભિષેક બેનરજીના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આ રેડના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મમતા બેનરજી પણ તાબડતોબ અભિષેકના ઘરે પહોંચી ગયા હતા.
નાણાકીય ગેરરીતિના કેસમાં PA સુમિત રોયની શોધખોળ
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ સમગ્ર દરોડાની કાર્યવાહી અભિષેક બેનરજીના અત્યંત નજીકના ગણાતા અને તેમના અંગત મદદનીશ (PA) સુમિત રોયની શોધખોળના સંદર્ભમાં કરવામાં આવી હતી. આ મામલો કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. સુરક્ષા દળો અને પોલીસની ટીમે આશરે 5 કલાક સુધી અભિષેકના આખા આવાસને ખૂણે-ખૂણેથી ફંફોસ્યો હતો અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
ગુસ્સે ભરાયેલા અભિષેક બેનરજીનો સવાલ: ‘તલાશીમાં કશું મળ્યું ખરું?’
આ કડક કાર્યવાહી બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે અભિષેક બેનરજીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેમણે કેન્દ્રીય એજન્સીઓ અને પોલીસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘તમે તપાસ એજન્સીઓને જઈને પૂછો કે તેમને મારા ઘરેથી શું મળ્યું? શું મેં સુમિતને મારા ઘરમાં છુપાવી રાખ્યો છે? પોલીસ મારા ઘરના મેઈન ગેટનું તાળું તોડીને અંદર ઘૂસી અને આખા ઘરની તલાશી લીધી. હવે હું પોતે પોલીસને પૂછીશ કે આટલી તપાસ પછી તેમને શું-શું મળ્યું છે!’
આ પણ વાંચો: આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત
CIDની ફરીથી નોટિસ અને મદન મિત્રાના ઘરે EDના દરોડા
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યોની નકલી સહી કરવાના કેસમાં CID દ્વારા ગુરુવારે ભવાની ભવન ખાતે અભિષેકની 5 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી, જેમાં તેઓ સંતોષકારક જવાબો આપી શક્યા નહોતા. હવે CID એ તેમને 14 જૂનના રોજ બપોરે 12 વાગ્યે ફરીથી હાજર થવા કડક આદેશ આપ્યો છે. અભિષેકે આ મામલે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની ચીમકી આપી છે.
ભરતી કૌભાંડમાં એક્શન
બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડના સંદર્ભમાં ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાના દક્ષિણેશ્વર સ્થિત નિવાસસ્થાને પણ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે.



