જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur Fire Tragedy: 3 Killed 5 Injured in Illegal Firecracker Factory Blast Inside Home

![]()
Jaipur Firecracker Factory Fire : રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીંના ખો નાગોરિયાન (Kho Nagorian) વિસ્તારમાં એક ઘરની અંદર ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી. આ ભીષણ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ, આ ફટાકડાની ફેક્ટરી કોઈ ખુલ્લા મેદાન કે ઔદ્યોગિક વિસ્તારમાં નહીં, પરંતુ ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારના એક સામાન્ય મકાનની અંદર ચલાવવામાં આવી રહી હતી. દારૂખાનામાં અચાનક આગ લાગ્યા બાદ એક પછી એક જોરદાર ધડાકા થયા હતા, જેણે જોતજોતામાં આખા ઘરને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા તમામ 5 ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક એસએમએસ (SMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર દાઝી ગયેલા લોકોની હાલત અત્યંત નાજુક છે, અને મેડિકલ ટીમ તેમને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
વહીવટીતંત્ર એક્શનમાં, કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા
અકસ્માતની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. ઘટનાસ્થળે સિવિલ ડિફેન્સ (Civil Defence) ની ટીમ સહિત ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ રવાના કરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મામલાની ગંભીરતાને જોતા જયપુરના કલેક્ટર સંદેશ નાયક, એડીએમ (ADM) અને સિવિલ ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગયા હતા. વહીવટી અધિકારીઓએ પોતાની દેખરેખ હેઠળ બચાવ કાર્ય આગળ ધપાવ્યું હતું, જેથી કાટમાળ નીચે દબાયેલા લોકોને સમયસર બહાર કાઢી શકાયા હતા.
સુરક્ષા નિયમોના લીરેલીરા ઉડ્યા, વિસ્તારમાં ફફડાટ
હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક માહિતીમાં સુરક્ષાના ધોરણોને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં વ્યાપારી ધોરણે ફટાકડા બનાવવાનું જોખમી કામ કોની મંજૂરીથી ચાલી રહ્યું હતું?, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ છે. ઘરની અંદર આ પ્રકારે ચાલતી ગેરકાયદેસર ફેક્ટરી આટલી મોટી જાનહાનિનું કારણ બનશે તેવી સ્થાનિક લોકોને કલ્પના પણ નહોતી.



