તૃણમૂલના 28માંથી 20 સાંસદો NDAમાં જોડાઈ જવા તૈયાર, સ્પીકરને લખ્યો પત્ર | tmc lok sabha mps rebellion join nda mamata banerjee bengal

![]()
20 of 28 TMC Lok Sabha MPs To Join NDA : પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ એકસાથે બળવો પોકારી દીધો છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સત્તાવાર રીતે જાણ કરી છે કે તેઓ ભાજપની આગેવાની હેઠળના NDAનો ભાગ બનવા માંગે છે.
કાકોલી ઘોષના નેતૃત્વમાં એકસાથે 20 સાંસદોનો વિદ્રોહ
આ બળવાખોર જૂથનું નેતૃત્વ તૃણમૂલના વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદાર કરી રહ્યા છે. આ સાંસદોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તૃણમૂલ પાર્લામેન્ટરી પાર્ટી અને મમતા બેનરજીના ભત્રીજા તેમજ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નેતૃત્વથી છેડો ફાડી રહ્યા છે.
દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીના ઘરે ગુપ્ત બેઠક યોજાઈ
આ આખો મોટો રાજકીય ઘટનાક્રમ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આકાર પામ્યો હતો. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ હાજર રહ્યા હતા, જેઓ હાલ દિલ્હીની મુલાકાતે છે. તેમણે મંત્રીના ઘરે આ બળવાખોર સાંસદો સાથે મુલાકાત કરી હતી.
આજે મમતા દીદી પણ દિલ્હીમાં જ હાજર હતા
આ નાટ્યાત્મક વળાંક એવા દિવસે આવ્યો છે જ્યારે તૃણમૂલ સુપ્રીમો મમતા બેનરજી અને અભિષેક બેનરજી વિપક્ષી ગઠબંધન ‘INDIA’ ની બેઠકમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ હાજર છે.
બંગાળના વિકાસ માટે આ જરૂરી હતું– બળવાખોર સાંસદ ડૉ. શર્મિલા સરકાર
બર્ધમાન પૂર્વના લોકસભા બેઠકના તૃણમૂલ સાંસદ અને આ બળવામાં સામેલ ડૉ. શર્મિલા સરકારે મીડિયા સાથે વાતચીત કરતા સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું, અમે એક બેઠક યોજી હતી. અમે સંસદમાં અલગ બેસવા માંગીએ છીએ. હું દીદીને માન આપું છું. હું કામ કરવા માંગતી હતી, પણ હું કરી શકી નહીં. કાકોલી દીના નેતૃત્વમાં આ અલગ બ્લોક બનાવવામાં આવ્યો છે. આનાથી બંગાળના વિકાસમાં મદદ મળશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે 20 સાંસદો છીએ. અમે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને બેઠક કરી હતી. બંગાળના વિકાસ માટે અમારે NDAને સમર્થન આપવાની જરૂર છે. કાકોલી દીએ પત્ર સુપરત કરી દીધો છે. અત્યાર સુધી, તેઓ અમારા જૂથનું નેતૃત્વ કરી રહ્યા છે.
રાજકીય ગણિત… સાંસદો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરી શકે મમતા દીદી
રાજકીય દ્રષ્ટિએ આ આંકડો અત્યંત મહત્વનો છે. તૃણમૂલ કૉંગ્રેસના કુલ 28 લોકસભા સાંસદો છે, જેમાંથી 20 સાંસદો બળવાખોર છાવણીમાં છે. આ મોટો આંકડો હોવાને કારણે તેઓ પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law)ની જોગવાઈઓથી બચી જશે, કારણ કે કાયદા મુજબ પાર્ટી બદલવા અથવા અલગ જૂથ રચવા માટે બે-તૃત્યાંશ (2/3) બહુમતી જરૂરી હોય છે, જે આ કિસ્સામાં પુરી થાય છે.
લોકસભામાં NDAનો દબદબો વધી જશે
સંસદમાં આ સાંસદોના NDA તરફી સમર્થનથી ભાજપને બહુ મોટી લીડ મળશે અને ગૃહમાં ત્રીજી સૌથી મોટી વિપક્ષી પાર્ટી તરીકે ઓળખાતી તૃણમૂલ કૉંગ્રેસનો પડકાર લગભગ સમાપ્ત થઈ જશે.
રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ સુખેન્દુ શેખર રોયનું રાજીનામું
લોકસભાની સાથે સાથે તૃણમૂલ કૉંગ્રેસને રાજ્યસભામાં પણ મોટો ફટકો પડ્યો છે. સોમવારે વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં તૃણમૂલના 13 સાંસદો છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કૉંગ્રેસનું પતન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસના કારમા પરાજય બાદ પક્ષની અંદરનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. આ પતન પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે પાર્ટીના 80 ધારાસભ્યો માંથી એક બહુ મોટા હિસ્સાએ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે મમતા બેનરજીની પસંદગી એવા શોવનદેબ ચટ્ટોપાધ્યાયને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આ આંતરિક વિખવાદ અને વિસર્જન દિલ્હી સુધી પહોંચી ગયું છે, જ્યાં તૃણમૂલની લોકસભાની આખી ટીમ બળવામાં જોડાઈ ગઈ છે.
80માંથી 60 ધારાસભ્યોનો બળવો
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગયા શુક્રવારે સાંજે મમતા બેનરજીએ પોતાના નિવાસસ્થાને ધારાસભ્યોને એકજૂથ રાખવા માટે એક તાકીદની બેઠક બોલાવી હતી અને નેતાઓને ફોન પણ કર્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે 60 બળવાખોર ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય આ બેઠકમાં હાજર રહ્યો નહોતો.



