હૃતિક રોશનનું દર્દ છલકાયું, કહ્યું – મારે ‘સારો માણસ’ નથી બનવું, પસંદગીના રોલ નથી મળતા | hrithik roshan tired of playing good guy wants zafar like role

![]()
Hrithik on his Role: બોલિવૂડના ગ્રીક ગોડ તરીકે જાણીતો સુપરસ્ટાર હૃતિક રોશને પોતાની પ્રથમ ફિલ્મથી જ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ઇન્ડસ્ટ્રીમાં 26 વર્ષથી સક્રિય હોવા છતાં અને અનેક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ પણ હૃતિકે તાજેતરમાં પોતાની એક દિલી ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તે હવે રૂટિન ભૂમિકાઓથી કંટાળી ગયો છે અને પડદા પર કંઈક અલગ કરવા માંગે છે, પરંતુ દિગ્દર્શકો તેને માત્ર ‘સારા માણસ’ના પાત્રો જ ઓફર કરી રહ્યા છે.
પેરિસથી એફિલ ટાવર સામે શેર કરી પોસ્ટ
હૃતિક રોશને પેરિસ પ્રવાસ દરમિયાન એફિલ ટાવર સામેથી પોતાની એક તસવીર શેર કરી હતી. આ પોસ્ટના કેપ્શનમાં તેણે પોતાના મનની વાત શેર કરતા લખ્યું, “હમણાં જ મને પૂછવામાં આવ્યું કે હું કઈ પ્રકારની ભૂમિકા ભજવવા માગું છું. જ્યારે તેનો જવાબ મને મળ્યો ત્યારે હું પોતે જ આશ્ચર્યચકિત થઈ ગયો. ‘લક બાય ચાન્સ’નો ઝફર યાદ છે? બસ, એ જ પ્રકારની ભૂમિકા.”
તેણે આગળ ઉમેર્યું કે જો તેને ફરી ક્યારેય આવી તક મળશે તો તે તરત જ તેને સ્વીકારી લેશે. પરંતુ મોટાભાગના ડિરેક્ટર્સ તેને હંમેશાં એક આદર્શ અને સારા માણસના રોલમાં જ કાસ્ટ કરવા માંગે છે, જેને હૃતિકે પોતાની એક્ટિંગ લાઈફ માટે “દુઃખદ” ગણાવ્યું હતું.
શું હતું ‘ઝફર’નું પાત્ર?
વર્ષ 2009માં રિલીઝ થયેલી ઝોયા અખ્તરની ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં હૃતિક રોશને ‘ઝફર’ નામનો એક યાદગાર કેમિયો ભજવ્યો હતો. આ પાત્ર એક એવા સફળ બોલિવૂડ સુપરસ્ટારનું હતું જે ખૂબ જ ટેલેન્ટેડ હોવા છતાં અત્યંત અહંકારી અને પોતાની જ ધૂનમાં મસ્ત રહેનારો હોય છે. તે અચાનક એક મોટા પ્રોજેક્ટમાંથી બહાર થઈ જાય છે, જેના કારણે ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હૃતિકને સ્ક્રીન પર આવા ગ્રે-શેડ અને થોડા નકારાત્મક પાત્રો ભજવવામાં વધુ રસ છે.
‘વૉર 2’ની બોક્સ ઓફિસ પર સ્થિતિ અને આગામી ફિલ્મો
હૃતિક રોશન છેલ્લે હાઈ-એક્શન ફિલ્મ ‘વૉર 2’માં મોટા પડદા પર જોવા મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધારી કમાલ કરી શકી નહોતી. હાલમાં તે પોતાની સુપરહીરો ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ ‘ક્રિશ 4’ પર કામ કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે ‘ક્રિશ 4’નું દિગ્દર્શન પણ આ વખતે હૃતિક પોતે જ સંભાળી રહ્યો છે. આ સિવાય તેની પાસે આગામી સમય માટે ‘સ્ટોર્મ’ નામનો એક બીજો મોટો પ્રોજેક્ટ પણ પાઇપલાઇનમાં છે.



