દુનિયા જોતી રહી ગઈ! સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા, જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ | india q4 gdp fy26 growth hits 7 8 percent full year at 7 7 percent

India Q4 GDP Grows at 7.8% in FY26 : જ્યારે આખી દુનિયા રશિયા-યુક્રેન કે મિડલ ઈસ્ટના તણાવ, કાચા તેલના ભડકે બળતા ભાવ અને આર્થિક મંદીના ડરથી ધ્રૂજી રહી છે, ત્યારે ભારતીય અર્થતંત્રે તમામ આશંકાઓને ફગાવીને એક એવી મજબૂતી બતાવી છે, જેણે મોટા-મોટા આર્થિક નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે.
ક્વાર્ટર-4માં ધારણા કરતાં પણ વધુ GDP વિકાસ દર
સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરીથી માર્ચ 2026) ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8% નોંધાયો છે.

નિષ્ણાતોના અનુમાન ખોટા સાબિત થયા
આ આંકડો એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે દેશ-વિદેશના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આ ક્વાર્ટરમાં આટલા મોટા ઉછાળાની આશા નહોતા રાખતા. મોટા ભાગની રેટિંગ એજન્સીઓ તથા આર્થિક નિષ્ણાતોએ 7થી 7.2 ટકા સુધી GDP વિકાસ દર રહેવાની આશા વ્યક્ત કરી હતી. જોકે આ આ તમામ અનુમાન ખોટા સાબિત થયા છે.
આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ: ભારતનો રિયલ GDP ગ્રોથ રેટ 7.7 ટકા
ભારતનું આખા નાણાકીય વર્ષ(FY26)નું પરિણામ પણ અદ્ભુત રહ્યું છે. જો સમગ્ર નાણાકીય વર્ષ 2025-26ની વાત કરીએ તો ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ 7.7% રહ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25(FY25)માં આ ગ્રોથ રેટ 7.1% હતો, જે દર્શાવે છે કે ભારતની સ્પીડ ઘટી નથી પરંતુ સતત વધી રહી છે. આ આંકડા સાથે જ ભારતે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે.
અર્થતંત્રને ક્યાંથી મળી આટલી શક્તિ?
સરકારી મૂડી ખર્ચ: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને રેલવે જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા મોટા પાયે થઈ રહેલું રોકાણ.
વધતો વપરાશ: સ્થાનિક બજારમાં લોકોની ખરીદી કરવાની ક્ષમતા અને ટ્રેન્ડમાં જોવા મળેલો સુધારો.
મજબૂત સર્વિસ સેક્ટર: ભારતનું આઇટી અને સર્વિસ સેક્ટર ગ્લોબલ પ્રેશર વચ્ચે પણ અડીખમ ઊભું છે.
નાણાકીય વર્ષ 2027માં આવી શકે છે સ્પીડ બ્રેકર!
એક તરફ જ્યાં અત્યારના આંકડા ઉત્સાહ વધારે તેવા છે, ત્યાં જ અર્થશાસ્ત્રીઓએ આવનારા નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે કેટલીક ચેતવણીઓ પણ આપી છે. ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા અને નબળી વૈશ્વિક માંગ આગામી સમયમાં ભારતની ગતિ ધીમી કરી શકે છે.
આગામી સમયમાં ભારત સામે અનેક પડકારો
ભારત માટે સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ છે કે દેશ પોતાની જરૂરિયાતનું 80% કરતા વધુ કાચું તેલ વિદેશથી આયાત કરે છે. મિડલ ઈસ્ટમાં ચાલતો તણાવ જો વધે અને સપ્લાય ચેઈન ખોરવાય તો બ્રેન્ટ ક્રૂડના ભાવ આસમાને પહોંચી શકે છે. જો આવું થશે તો ભારતની મોંઘવારી, વેપાર ખાધ અને આર્થિક ગ્રોથ પર તેની સીધી અને નકારાત્મક અસર જોવા મળી શકે છે.



