મમતા બેનરજી સામે FIR દાખલ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ | FIR Registered Against Mamata Banerjee She Had Leveled Serious Allegations Against Amit Shah

![]()
FIR Registered Against Mamata Banerjee: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનરજીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. કોલકાતામાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના હાઈ-પ્રોફાઈલ હત્યાકાંડમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહ મંત્રી અમિત શાહનું નામ ઢસેડવા બદલ તેમની સામે FIR નોંધવામાં આવી છે. આ ફરિયાદ સિલીગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક વકીલ દ્વારા નોંધાવવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો અને મમતા બેનરજીનો દાવો?
આ વિવાદ 2 જૂન 2026ના રોજ કોલકાતાના ધર્મતલા (Y-ચેનલ)માં TMCના એક ધરણા પ્રદર્શન દરમિયાન શરૂ થયો હતો. પોતાના ભાષણમાં મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે, મને બાંગ્લાદેશમાં થયેલી એક ‘મોટી હત્યા’ પાછળના સંપૂર્ણ ષડયંત્ર અને તેમાં સામેલ લોકોના નામની માહિતી છે, પરંતુ હું તેનો ખુલાસો નહીં કરું કારણ કે તેનાથી પાડોશી દેશમાં ઉથલ-પાથલ મચી શકે છે. તેમનો ઈશારો સ્પષ્ટપણે બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન બિન હાદીની હત્યા તરફ હતો.
નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મમતા બેનરજીએ ધરણા સ્થળ પરથી કહ્યું હતું કે, ‘STFએ બાંગ્લાદેશથી એક મોટા હત્યારાની ધરપકડ કરી હતી. આ બાબતે બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. હું બીજા દેશોની વાત નથી કરી રહી, મારો પોઇન્ટ એ છે કે તે લોકો મેઘાલયના રસ્તે બંગાળમાં આવ્યા. અહીં આવ્યા બાદ અમારી STFએ તેમને પકડ્યા. ગૃહ મંત્રી પોતે કહી રહ્યા છે. મેં આટલા દિવસ સુધી કંઈ નહોતું કહ્યું, પરંતુ આજે અત્યાચાર તેની ચરમસીમા વટાવી ગયો છે, એટલે બોલી રહી છું. મારું હૃદય સત્યનો ભંડાર છે.’
FIRમાં શું આરોપ લગાવ્યા છે?
મમતા બેનરજીના આ સનસનીખેજ દાવા બાદ સિલીગુડીના વકીલ રિંકી ચેટર્જી સિંહે તેમની સામે સિલીગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધાવ્યો છે. વકીલનું કહેવું છે કે, મમતા બેનરજીએ પોતાના નિવેદનમાં દેશના ગૃહ મંત્રાલયનું નામ પણ ઢસેડ્યું છે. વકીલનો આરોપ છે કે ખુલ્લા મંચ પરથી દેશના વહીવટીતંત્ર સાથે જોડાયેલી આવી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી જાહેર કરવાથી દેશની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ જ વકીલે ગત અઠવાડિયે પણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અન્ય એક મામલે ફરિયાદ નોંધાવી હતી.
ઉસ્માન હાદી હત્યાકાંડ: શું છે બાંગ્લાદેશ કનેક્શન?
બાંગ્લાદેશના ઇન્કલાબ મંચના સંયોજક અને ભારત વિરોધી શરીફ ઉસ્માન બિન હાદીને 12 ડિસેમ્બર 2025ના રોજ ઢાકામાં ગોળી મારવામાં આવી હતી. 18 ડિસેમ્બરના રોજ સિંગાપોરની એક હોસ્પિટલમાં તેનું નિધન થઈ ગયું, ત્યારબાદ બાંગ્લાદેશમાં ભારે ભારત-વિરોધી પ્રદર્શનો થયા હતા. હત્યાના મુખ્ય શંકાસ્પદ આરોપીઓ- ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર હુસૈન કથિત રીતે મેઘાલય સરહદેથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. પશ્ચિમ બંગાળ STFએ માર્ચ 2026માં આ લોકોની ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ ભારતીય એજન્સીઓની કસ્ટડીમાં છે.
બાંગ્લાદેશની તીખી પ્રતિક્રિયા
મમતા બેનરજીના આ નિવેદને સરહદ પાર પણ રાજકીય હલચલ તેજ કરી દીધી છે અને ત્યાંના ભારત-વિરોધી જૂથોને નવો મુદ્દો આપી દીધો છે. જો કે, બાંગ્લાદેશ સરકારે મમતાના દાવાઓથી અંતર જાળવી રાખ્યું છે. બાંગ્લાદેશના વિદેશી બાબતોના રાજ્ય મંત્રી શમા ઉબૈદે આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘કોઈ અન્ય દેશમાં ચૂંટણીની મોસમ દરમિયાન એક રાજકીય નેતાની ટિપ્પણીઓ પર જવાબ આપવો યોગ્ય નથી. ઉસ્માન હાદીની હત્યાના શંકાસ્પદોના પ્રત્યાર્પણ માટે અમે સીધા જ રાજદ્વારી ચેનલો દ્વારા ભારત સરકારના સંપર્કમાં છીએ અને આ મામલે ઘણી પ્રગતિ થઈ ચૂકી છે.’



