ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back remaining 13 ships in Hormuz

![]()
– શિપિંગ મંત્રાલયે વિભાગોની મદદથી આયોજન હાથ ધર્યું
– સરકારનો પીએસયુ ઓઇલ કંપનીઓને એલપીજી માટે 30 દિવસનો ઓન ડિમાન્ડ રિઝર્વ સ્ટોક રાખવા આદેશ
– એલપીજી, કેમિકલ પ્રોડક્ટ ટેન્કર, પાંચ ક્રૂડ ઓઇલ ટેન્કર, ત્રણ કન્ટેનર, બે બલ્ક કેરિયર અને એક ડ્રેજર
નવી દિલ્હી : અમેરિકા અને ઇરાન વચ્ચેના વિવાદનો અંત ન આવતા ભારતે હોર્મુઝમાં બાકી રહેલા ૧૩ જહાજોને બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યુ છે. આ પગલું ભારતીય ખલાસીઓ, નાગરિકો અને કોમર્સિયલ હિતોની સુરક્ષા માટે ઘણા મંત્રાલયોના તાલમેળથી ચલાવવામાં આવેલા સરકારી પ્રયત્નોનું પરિણામ છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઇરાન યાત્રાથી બચવાની સલાહ આપી છે.
મંત્રાલયે ઇરાનમાં ઉપલબ્ધ લોકોને ભારતીય રાજદૂતાવાસની મદદ લઈને બહાર નીકળી જવાની સલાહ આપી છે. પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં ડાયરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજોની મદદ માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે અમારી અગ્રતા પોતાના જહાજોને ત્યાંથી સલામત નીકાળવાની છે. ભારતીય ઝંડાવાળા લગભગ ૧૩ જહાજ ત્યાં હાજર છે. તેમા એલપીજી ટેન્કર, પાંચ ક્રૂડ ઓઇલના ટેન્કર, એક કેમિકલ કે પ્રોડક્ટ ટેન્કર, ત્રણ કન્ટેનર જહાજ, બે બલ્ક કેરિયર અને એક ડ્રેજર સામેલ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ જહાજોમાં ક્રૂડ ઓઇલના ટેન્કર, કન્ટેનર શિપ, બલ્ક કેરિયર અને ડ્રેજર સામેલ છે. ખાડી ક્ષેત્રમાં સમુદ્રની સુરક્ષા ચિંતાઓને લઈને સરકાર તેના આવનજાવન પર ખાસ નજર રાખી રહી છે. શર્માએ એમ પણ જણાવ્યું હતું કે માર્શલ આઇલેન્ડ્સના ઝંડાવાળુ ક્રૂડ ઓઇલ ટેન્કર નિસોસ કેરોસ ૨૫ અને ૨૬ મેના રોજ સુરક્ષિત રીતે હોર્મુઝ પાસ કરી ચૂક્યું છે. આ જહાજ લગભગ ૨.૭ લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈ આવી રહ્યું છે. તે ત્રણ જૂને વિશાખાપટ્ટનમ પહોંચવાની આશા છે.
તેમણે જણાવ્યું હતું કે આ જહાજ પર ચાલક દળના બધા સભ્યો વિદેશી છે. આ ક્ષેત્રમાં હાજર બધા ભારતીય ખલાસી સલામત છે. ભારતીય કે વિદેશી ઝંડાવાળા કોઈપણ કોમર્સિયલ જહાજ પર ભારતીય નાગરિકો સાથે જોડાયેલી ઘટનાની કોઈ સૂચના મળી નથી. મંત્રાલયોના જણાવ્યા મુજબ ભારતીય અને વિદેશી ઝંડાવાળા જહાજો પર બધા નાગરિકો સલામત છે.
ભારત સરકારે સરકારી રિફાઇનરોને કમસેકમ ૩૦ દિવસનો એલપીજી સ્ટોરેજ રાખવા જણાવ્યું છે, એમ ઓઇલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અમે વ્યૂહાત્મક રિઝર્વ પર કામ કરી રહ્યા છીએ. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જણાવાયું છે કે કમસેકમ ૩૦ દિવસ સુધી એલપીજી રિઝર્વ રાખવાનુ આયોજન કરે. સરકારે ત્રણ ઓઇલ પીએસયુને વધારાના સ્ટોરેજ માટે આયોજન તૈયાર કરવા જણાવ્યું છે.
શિપિંગ મંત્રાલયના ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરને ખલાસીઓ અને તેમના કુટુંબોના મોટી સંખ્યામાં ફોન મળી રહ્યા છે.આ સિવાય મેલ પણ મળી રહ્યા છે. કંટ્રોલ સેન્ટર એક્ટિવ થયા પછી અત્યાર સુધીમાં લગભગ ૧૧ હજાર કોલ અને ૨૪ હજારથી વધુ ઇ-મેઇલ મળ્યા છે.શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા ૯૬ કલાકમાં જ ખલાસીઓ, તેમના કુટુંબો અને સમુદ્ર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના ૫૦૦ કોલ અને ૧,૩૩૨ ઇ-મેઇલ મળ્યા છે. મંત્રાલયે અત્યાર સુધીમાં ખાડીમાંથી લગભગ સાડા ત્રણ હજાર લોકોને પરત લાવવામાં મદદ કરી છે.



