જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take dowry as beggars: Supreme Court’s rebuke

![]()
– કોઇની દીકરી લાવો ને પછી તેનું અને પરિવારનું અપમાન કરો તે નહીં ચલાવાય
– દહેજમાં કાર અને મોટી રકમ માટે અત્યાચારને પગલે મહિલાની આત્મહત્યા, આરોપીઓને સુપ્રીમમાં રાહત નહીં
નવી દિલ્હી : નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ વર્ષ ૨૦૨૪માં દહેજના દુષણે ૫૭૩૭ મહિલાઓનો ભોગ લીધો હતો, આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે દહેજ અત્યાચારને લઇને આક્રામક વલણ અપનાવ્યું હતું, દહેજ મૃત્યુના એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમે સાસરીયાવાળાને ટકોર કરતા કહ્યું હતું કે જેની પાસેથી તમે દહેજના રૂપિયા લો છો તેને જ તમે ભિખારી કહો છે જે અત્યંત શરમજનક બાબત છે.
વર્ષ ૨૦૧૦માં છત્તીસગઢમાં દહેજ મૃત્યુ કેસમાં પતિ અને તેના પરિવારના લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મહિલાએ લગ્નના ત્રણ વર્ષની અંદર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મહિલાના પરિવારનો આરોપ હતો કે તેને દહેજ માટે પરેશાન કરવામાં આવતી હતી. જેમાં રોકડા રૂપિયા અને એક કારની માગણી કરવામાં આવી હતી. આ મામલામાં પતિ અને તેના પરિવારના અન્ય લોકોને ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા જે નિર્ણયને છત્તીસગઢ હાઇકોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલને ફગાવાઇ હતી અને ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.
મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. વી. નાગરત્નાએ કહ્યું હતું કે આ મામલામાં આરોપીઓએ મહિલા અને તેના પરિવારને શું કહ્યું? તેમણે કહ્યું કે તમે લોકો તો ભીખારી છો, તમે રૂપિયા નહીં આપી શકો. મહિલાનો પરિવાર તેનો જીવ બચાવવા માથી રહ્યો હતો અને ઉપરથી તેમને ભીખારી કહેવામાં આવ્યા, મહિલાના પિતા ૬૦,૦૦૦ રૂપિયા આપવા તૈયાર હતા અને તમે તેને ભીખારી કહો છો. મૂળ હેતુ તો કન્યા અને તેના પરિવારને નીચોડી નાખવાનો હોય છે, સમાજમાં સ્પષ્ટ સંદેશો જવો જોઇએ કે કોઇ પણ પરિવાર કોઇની પણ પુત્રીને લગ્ન કરીને પોતાના ઘરે લાવીને તેનું અથવા તેના માતા પિતાનું માનસિક તેમજ આર્થીક ઉત્પિડન ના કરી શકે. આજકાલ લગ્ન બાદ યુવતી અને તેના પરિવારને પુરી રીતે નિચોડી લેવા એટલે કે રૂપિયા પડાવી લેવાનો પ્રયાસ થતો હોય છે. તાજેતરમાં મધ્ય પ્રદેશમાં ટ્વિશા નામની યુવતીએ દહેજ અત્યાચારને પગલે આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે જેની ભારે ચર્ચા વચ્ચે સુપ્રીમે દહેજ મૃત્યુ અને અત્યાચાર મામલે આ આક્રામક સંદેશો મોકલતો ચુકાદો આપ્યો છે.



