મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુકસાન | Indigo Losses 2500 Crore In March Quarter Due To Middle East Crisis And Rising Costs

![]()
Indigo Losses 2500 Crore In March Quarter : દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો(IndiGo)ની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન(InterGlobe Aviation)ને માર્ચ 2026ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે. કંપનીએ 29 મેના રોજ પોતાના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીને 2536 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ (Net Loss) થયું હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીએ 3068 કરોડ રૂપિયાનો બમ્પર નફો (Profit) કર્યો હતો. આ રીતે જોતાં માત્ર એક વર્ષમાં કંપનીના નફાનું મોટું ધોવાણ થયું છે. આ નકારાત્મક પરિણામોના કારણે 29 મેના રોજ ઇન્ડિગોના શેર 3 ટકા ઘટીને 4420 રૂપિયા પર બંધ થયા હતા.
કેમ થયું આટલું મોટું નુકસાન?
કંપનીના જણાવ્યા અનુસાર, નીચે મુજબના કારણોસર તેમને નુકસાન થયું છે જેમાં
ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં કેપેસિટી સંબંધિત મર્યાદાઓ.
અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈ.
એવિએશન ફ્યુઅલ(એરક્રાફ્ટ ઇંધણ – ATF)ની સતત વધતી કિંમતો.
એરલાઇનના ઓપરેશનલ કોસ્ટનું(પરિચાલન ખર્ચ) વધવું.
આ ઉપરાંત, કંપની પર 250 કરોડ રૂપિયાનો વન-ટાઇમ ખર્ચ પણ આવ્યો હતો.
કમાણીમાં મામૂલી વધારો, પણ મુસાફરો ઘટ્યા
ખોટ થવા છતાં કંપનીની કુલ આવકમાં થોડો સુધારો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ 2026ના ક્વાર્ટરમાં ઇન્ડિગોની ઓપરેશનલ આવક વધીને 22,438 કરોડ રૂપિયા રહી હતી, જે ગયા વર્ષે આ જ ગાળામાં 22,152 કરોડ રૂપિયા હતી. બીજી તરફ, મિડલ ઈસ્ટ(પશ્ચિમ એશિયા)માં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ફ્લાઇઈટ્સના શિડ્યૂલ ખોરવાયા હતા. આ જ કારણોસર કંપનીના મુસાફરોની સંખ્યા 1.1% ઘટીને 3.16 કરોડ પર આવી ગઈ છે અને લોડ ફેક્ટર પણ ઘટીને 85.8% એ પહોંચી ગયું છે.
નવા વિમાન અને એન્જિન ખરીદવા પર ફોકસ
આ કપરા સમય વચ્ચે પણ એરલાઇને બિઝનેસ વિસ્તારવાની યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોના બોર્ડે તેની પેટાકંપની ‘ઇન્ટરગ્લોબ એવિએશન ફાઇનાન્સિયલ સર્વિસીસ (IFSC) પ્રાઇવેટ લિમિટેડ’ના ફાઇનાન્સ લીઝ પેમેન્ટ્સના આંશિક પ્રી-પેમેન્ટને મંજૂરી આપી દીધી છે. કંપની તબક્કાવાર 450 મિલિયન ડૉલર સુધીની રકમ ચૂકવશે.
આગામી રણનીતિ : એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે, આ રકમનો ઉપયોગ નવા વિમાન, એરક્રાફ્ટ એન્જિન અને સ્પેરપાર્ટ્સ ખરીદવા માટે કરવામાં આવશે. આનાથી ભવિષ્યમાં કંપનીની પોતાની એરક્રાફ્ટ ઓનરશિપ (માલિકી) વધશે અને ઓપરેશનલ ખર્ચને નિયંત્રણમાં લાવી શકાશે.
નાણાકીય વર્ષ 2026 અત્યંત પડકારજનક રહ્યું : રાહુલ ભાટિયા
ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર (MD) રાહુલ ભાટિયાએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર એવિએશન સેક્ટર માટે નાણાકીય વર્ષ 2026 ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક રહ્યું છે. જોકે, આવા પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ અમારો મુખ્ય બિઝનેસ મજબૂત સ્થિતિમાં છે. આખા વર્ષ દરમિયાન કંપનીની ક્ષમતામાં 9.5 % અને કુલ આવકમાં 6%થી વધુનો ગ્રોથ થયો છે. જો વિદેશી હૂંડિયામણ(Foreign Exchange)ના ઉતાર-ચઢાવ અને ખાસ બાબતોને બાદ કરીએ, તો કંપનીએ 7,500 કરોડ રૂપિયાનો નફો કમાયો છે.’


