मनोरंजन

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે ગુંજી કિલકારી: અભિનેત્રીએ જોડિયા બાળકોને આપ્યો જન્મ, કેપ્શનમાં લખ્યું- ‘મેરે કરણ અર્જુન આ ગયે’ | Divyanka and Vivek became parents of twin babies



Vivek-Divyanka Became Parents: ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય અને વ્હાલા કપલ્સમાંથી એક એવા દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે ખુશીઓનો ડબલ ડોઝ આવ્યો છે. મંગળવારે એટલે કે 26 મેના રોજ દિવ્યાંકા અને વિવેકે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે એક ખૂબ જ આનંદદાયક સમાચાર શેર કર્યા છે. અભિનેત્રીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો છે, જેનાથી આ કપલના ઘરે માતા-પિતા બનવાનો સોનેરી અવસર આવ્યો છે. આ ગુડ ન્યૂઝ શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપવામાં આવી રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ખાસ પોસ્ટ

દિવ્યાંકા અને વિવેકે આ ખુશખબર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર પોસ્ટર શેર કરીને આપી છે. આ પોસ્ટરમાં બે નાના બાળકોના કાર્ટૂન ચિત્રો સાથે લખ્યું છે, “અમે ખુશીઓ માંગી હતી… ભગવાને કહ્યું, ‘ડબલ લો.’ જોડિયા દીકરાઓનો જન્મ થયો છે.”

આ પોસ્ટની સાથે કેપ્શનમાં નવા માતા-પિતાએ પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, “આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો છે… ‘ધ બોય્ઝ’ આવી ગયા છે અને જિંદગી અમારી કલ્પના કરતાં પણ વધુ સુંદર લાગી રહી છે. મેરે કરણ અર્જુન આ ગયે! હું અને દિવ (દિવ્યાંકા) જ્યારે માતા-પિતા તરીકેના આ અદ્ભુત નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.”

સેલેબ્સે પાઠવ્યા અભિનંદન

આ કપલે જેવી જ આ પોસ્ટ શેર કરી, કે તરત જ ટીવી ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રો અને ચાહકોએ કમેન્ટ સેક્શનમાં પ્રેમ અને આશીર્વાદ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રી માહી વિજ, હિરેન તેજવાની અને શ્રેણુ પરીખ સહિતના કલાકારોએ કપલને આ નવા સફર માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. શ્રેણુ પરીખે લખ્યું, “Congratulations guys,” જ્યારે હિતેન તેજવાનીએ કમેન્ટ કરી, “Congratulations.. god bless.”

10 વર્ષ બાદ લખાયું જિંદગીનું સૌથી સુંદર પ્રકરણ

દિવ્યાંકા અને વિવેકે આ વર્ષે માર્ચ મહિનામાં એક સુંદર મેટરનિટી ફોટોશૂટ શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારે તેમણે કેપ્શનમાં લખ્યું હતું, “10 વર્ષ પછી પ્લોટ ટ્વિસ્ટ. કેટલીક સફર ઉતાવળ કરવાની નથી હોતી… તે સાથે મળીને તૈયાર થવા વિશે હોય છે. અને જ્યારે તમને લાગે કે તમારી વાર્તા પૂરી થઈ ગઈ છે… ત્યારે જિંદગી તેમાં સૌથી સુંદર પ્રકરણ ઉમેરે છે.”

વર્ષ 2016માં લગ્નના બંધનમાં બંધાયેલા દિવ્યાંકા અને વિવેકની પ્રથમ મુલાકાત પ્રખ્યાત ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ના સેટ પર થઈ હતી, જ્યાંથી તેમની પ્રેમ કહાની શરૂ થઈ હતી.

40ની ઉંમરે માતૃત્વ ધારણ કરવા પર દિવ્યાંકાએ કહી હતી આ વાત

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં દિવ્યાંકાએ 40 વર્ષની ઉંમરે માતા બનવા અને તેની આસપાસ થતી ચર્ચાઓ પર ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, સમાજમાં એવી માનસિકતા ઊભી કરવામાં આવી છે કે 30 વર્ષ પછી મહિલાઓ માટે ગર્ભધારણ કરવું મુશ્કેલ બને છે, જે ખોટું દબાણ પેદા કરે છે.

આ પણ વાંચો: બોલિવૂડમાં એક યુગનો અંત! ડેવિડ ધવને નિવૃત્તિના સંકેત આપતા કરણ જોહર થયો ભાવુક

આ વિશે દિવ્યાંકા કહે છે કે, “આવી વાતો મહિલાઓ પર માનસિક તણાવ વધારે છે. મારું માનવું છે કે ખુશ રહેવું, ભગવાનમાં વિશ્વાસ રાખવો અને સકારાત્મક વિચારસરણી રાખવાથી ઘણો ફરક પડે છે. જ્યારે કોઈ મહિલા જીવનના ઉત્તરાર્ધમાં ગર્ભવતી થાય અને તેની ઉંમરને વચ્ચે લાવવામાં આવે, ત્યારે તે બાબત ખરેખર હેરાન કરનારી હોય છે.”

હાલમાં તો દિવ્યાંકા અને વિવેક પોતાના આ બંને નવજાત ‘કરણ-અર્જુન’ના આગમનથી અત્યંત ખુશ છે અને જીવનના આ નવા રોલને માણવા માટે સંપૂર્ણ તૈયાર છે.





Source link

Related Articles

Back to top button