मनोरंजन

કાંતારા વિવાદ: કોર્ટના આદેશ બાદ રણવીર સિંહે માફી માંગી હતી, ચામુંડેશ્વરી મંદિરે કરી વિશેષ પૂજા! | Ranveer Singh Visits Chamundeshwari Temple Post Kantara Controversy and FWICE Don 3 Ban



Ranveer Singh visits Chamundeshwari Temple: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ મંગળવારે સવારે કર્ણાટકના મૈસુર સ્થિત પ્રસિદ્ધ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો હતો અને માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. રણવીર સિંહની આ મુલાકાતને તદ્દન ગુપ્ત રાખવામાં આવી હતી. એરપોર્ટથી લઈને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવા સુધી રણવીર સિંહે ચહેરા પર માસ્ક પહેરી રાખ્યું હતું, જેથી કોઈ તેને ઓળખી ન શકે. તેણે કોઈ પણ પ્રકારની પબ્લિસિટી વગર સામાન્ય શ્રદ્ધાળુની જેમ ગર્ભગૃહમાં જઈને દર્શન કર્યા હતા.

કર્ણાટક હાઇકોર્ટે આપ્યો હતો આદેશ

વાસ્તવમાં, રણવીર સિંહની આ મંદિર મુલાકાત કર્ણાટક હાઇકોર્ટના એક આદેશના ભાગરૂપે હતી. સુપરહિટ કન્નડ ફિલ્મ ‘કાંતારા’ની મિમિક્રી કરવાના વિવાદમાં રણવીર સિંહ સામે FIR નોંધાઈ હતી. આ કેસમાં રાહત મેળવવા માટે રણવીર સિંહ કોર્ટમાં ગયો હતો. એપ્રિલ મહિનામાં રણવીર સિંહે કોર્ટમાં સુધારેલી એફિડેવિટ જમા કરાવીને બિનશરતી માફી માંગી હતી. ત્યારબાદ, હાઇકોર્ટે આ મામલાનો નિકાલ કરતાં રણવીર સિંહને 4 અઠવાડિયાની અંદર ચામુંડેશ્વરી મંદિરે જઈને પૂજા કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેનું પાલન કરવા તે મૈસુર પહોંચ્યો હતો.

શું હતો સમગ્ર ‘કાંતારા’ વિવાદ?

નવેમ્બર 2025માં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ની ક્લોઝિંગ સેરેમની દરમિયાન રણવીર સિંહે સ્ટેજ પર ફિલ્મ ‘કાંતારા’ના ક્લાઇમેક્સ વાળા પવિત્ર ‘દૈવ’ દ્રશ્યની મિમિક્રી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ કન્નડ સમુદાયના લોકો ગુસ્સે ભરાયા હતા અને રણવીર પર ધાર્મિક સંસ્કૃતિની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો હતો.

વિવાદ વધતાં રણવીરે ઇન્સ્ટાગ્રામ પર માફી માંગતા લખ્યું હતું કે,’મારો ઇરાદો કોઈની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું તો માત્ર ફિલ્મમાં રિષભ શેટ્ટીના જબરદસ્ત પર્ફોર્મન્સની પ્રશંસા કરી રહ્યો હતો. એક અભિનેતા જ સમજી શકે છે કે આવી કલા પ્રસ્તુત કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. હું દેશની પરંપરાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરું છું. જો મારાથી કોઈની લાગણી દુભાઈ હોય, તો તેના માટે હું દિલથી માફી માંગુ છું.’ 

બીજી તરફ, ફિલ્મના ડિરેક્ટર અને એક્ટર રિષભ શેટ્ટીએ પણ અણગમો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘દૈવ તત્વ અમારા માટે ખૂબ સંવેદનશીલ અને પવિત્ર છે, તેની સ્ટેજ પર નકલ ન કરવી જોઈએ.’

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન સાથે ગ્રાન્ડ ડેબ્યૂ છતાં ટીવી સિરિયલોમાં પણ કામ ન મળ્યું! બોલિવૂડ વિલનનું દર્દ છલકાયું

‘ડોન 3’ વિવાદ વચ્ચે મુશ્કેલીઓ વધી

રણવીર સિંહની આ મંદિર મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે તે બોલિવૂડમાં પણ એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ફિલ્મ ‘ડોન 3’માંથી અચાનક બહાર નીકળી જવાના કારણે પ્રોડ્યુસર ફરહાન અખ્તરને આશરે 45 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ બાબતને ગંભીરતાથી લઈને ફિલ્મ વર્કર્સની સૌથી મોટી સંસ્થા FWICE એ રણવીર સિંહ સામે ‘અસહકારનું વલણ’ (Non-cooperation directive) જાહેર કર્યું છે. આ આદેશ મુજબ, જ્યાં સુધી વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ટેકનિશિયનો અને ફિલ્મ કર્મચારીઓ રણવીર સાથે કામ નહીં કરે.

વિવાદો પર રણવીર સિંહનું મૌન

આ સમગ્ર વિવાદ અંગે રણવીર સિંહના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘રણવીરે ક્યારેય પણ અફવાઓ કે વાતો પર જાહેરમાં પ્રતિક્રિયા આપવી જરૂરી નથી સમજી. તેનું પૂરું ધ્યાન અત્યારે માત્ર તેના કામ અને આગામી પ્રોજેક્ટ્સ પર જ છે. તે ફિલ્મની આખી ફ્રેન્ચાઈઝીને સફળતા માટે શુભેચ્છા પાઠવે છે અને દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવી રાખવા માંગે છે.’



Source link

Related Articles

Back to top button