मनोरंजन

બોલિવૂડમાં એક યુગનો અંત! ડેવિડ ધવને નિવૃત્તિના સંકેત આપતા કરણ જોહર થયો ભાવુક | Karan Johar become emotional for David Dhawan retirement news


Karan Johar emotional For David Dhawan: બોલિવૂડના દિગ્ગજ કોમેડી ડિરેક્ટર ડેવિડ ધવન ટૂંક સમયમાં જ ફિલ્મ નિર્દેશનમાંથી સન્યાસ લઈ શકે છે. તેમની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ તેમની કારકિર્દીની છેલ્લી ડિરેક્ટોરિયલ ફિલ્મ હોવાના સંકેત મળ્યા બાદ ફિલ્મમેકર કરણ જોહર ભારે ભાવુક થઈ ગયો છે. ડેવિડ ધવનના સિનેમેટિક સફરને બિરદાવવા માટે આયોજિત એક ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી નોટ શેર કરી છે, જે હાલ બોલિવૂડ વર્તુળોમાં ભારે ચર્ચામાં છે.

‘ડેવિડ ધવન ફિલ્મ એટલે અલ્ટીમેટ એન્ટરટેઇનમેન્ટ’ – કરણ જોહર

ઇવેન્ટનો પોતાનો અનુભવ અને લાગણીઓ શેર કરતા કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “ગઈકાલે જ્યારે હું ડેવિડજીના સેલિબ્રેશનમાં ગયો અને તેમણે મને કહ્યું કે આ તેમની છેલ્લી ફિલ્મ હશે, ત્યારે મારા દિલમાં એક ખાટી-મીઠી લાગણી જન્મી. તેઓ એક એવા ફિલ્મમેકર છે જેઓ સિનેમામાં મનોરંજનની એક આખી નવી શૈલી ઊભી કરવા માટે જવાબદાર છે. ‘ડેવિડ ધવન ફિલ્મ’ એટલે જ જબરદસ્ત મનોરંજન! જ્યારે તેઓ પોતે એક એવી સંસ્થા છે જેમાંથી પ્રેરણા લઈને આજની પેઢીના અસંખ્ય ફિલ્મમેકર્સ આગળ વધ્યા છે, ત્યારે દિગ્દર્શનથી દૂર થવાની વાત કરતી વખતે તેમના દિલ પર શું વીતતી હશે?”

બોલિવૂડમાં એક યુગનો અંત! ડેવિડ ધવને નિવૃત્તિના સંકેત આપતા કરણ જોહર થયો ભાવુક 2 - image

ડેવિડ ધવનને સૌકોઈ પ્રેમ કરે છે એ વિશે કરણે આગળ ઉમેર્યું કે, “આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમને ખૂબ જ પ્રેમ, આદર આપે છે અને તેમની સફળતાની ઉજવણી કરે છે. આ વાતનો કોઈ વિરોધ ન કરી શકે! તમારા પુત્ર વરુણ સાથેની આ આગામી સમર બ્લોકબસ્ટર ફિલ્મ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ડેવિડ ધવન હંમેશા નંબર-1 માણસ રહેશે.”

કરણ જોહરની આ ભાવુક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિનેતા વરુણ ધવને પણ તેનો આભાર માન્યો હતો. વરુણે આ નોટ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રી-શેર કરતા લખ્યું, “કરણ, ગઈકાલે અહીં આવીને પપ્પાના સન્માનની ઉજવણી કરવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. હવે આવતીકાલે તારો ઉત્સવ મનાવવાનો સમય છે.”

બોલિવૂડમાં એક યુગનો અંત! ડેવિડ ધવને નિવૃત્તિના સંકેત આપતા કરણ જોહર થયો ભાવુક 3 - image

હેલ્થ ઇશ્યૂના કારણે ડેવિડ ધવને લીધો નિવૃત્તિનો નિર્ણય?

ડેવિડ ધવને હિન્દી સિનેમાને ‘હીરો નંબર 1’, ‘જુડવા’ અને ‘મેં તેરા હીરો’ જેવી ડઝનબંધ સુપરહિટ કોમર્શિયલ ફિલ્મો આપી છે. ગોવિંદા, સલમાન ખાન અને બાદમાં વરુણ ધવન સાથેની તેમની જોડીએ બોલિવૂડ કોમેડી સિનેમાનો આખો ચહેરો બદલી નાખ્યો હતો.

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ડેવિડ ધવને પોતાની વધતી ઉંમર અને સ્વાસ્થ્યની ચિંતાઓ તરફ ઈશારો કરતા નિવૃત્તિ અંગે જણાવ્યું હતું કે, “હવે મને નથી લાગતું કે મારે વધારે ફિલ્મો કરવી જોઈએ. કદાચ આ મારી છેલ્લી ફિલ્મ હોઈ શકે છે… આ ફિલ્મ બાદ હું માત્ર વરુણના પિતા તરીકેની ભૂમિકા ભજવીશ.”

જૂન મહિનામાં રિલીઝ થશે ડેવિડ ધવનની છેલ્લી ફિલ્મ

રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘હૈ જવની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનની સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રમેશ તૌરાની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ વરુણ અને તેના પિતા ડેવિડ ધવનની સાથેની ત્રીજી ફિલ્મ છે, જે આગામી 12 જૂનના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે.



Source link

Related Articles

Back to top button