ઝારખંડમાં 6 દિવસથી ગુમ યુવતીની લાશ મળી, સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી રેતીના ઢગલામાં દાટી | Deoghar Missing Girl assault case and Murdered Over Secret Affair Knowledge 3 Arrested

![]()
Deoghar murder case: ઝારખંડના દેવઘર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં છેલ્લા 6 દિવસથી ગુમ થયેલી 21 વર્ષની એક યુવતીની લાશ નદી કિનારે રેતીમાં દબાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તે પહેલાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને એક મહિલા સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા છે.
હત્યા પાછળનું મુખ્ય કારણ: પ્રેમ સંબંધનો પર્દાફાશ
પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી અને તેની પ્રેમિકા વચ્ચેના અંગત સંબંધોની વાત આ યુવતી જાણી ગઈ હતી અને તેણે આ બાબત અન્ય લોકો સમક્ષ પણ જાહેર કરી દીધી હતી. પોતાનો આ ભેદ ખુલ્લો પડી જતાં બંને આરોપીઓએ ગભરાઈને યુવતીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે પોતાના એક 19 વર્ષના સાથીદારને સાથે રાખીને યુવતીની હત્યા કરવાનું આખું કાવતરું ઘડ્યું હતું.
ષડયંત્ર રચીને આપ્યો ગુનાને અંજામ
આ ઘટના ગત 16 મેના રોજ રિક્ષ્હીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. કાવતરાના ભાગરૂપે મુખ્ય આરોપીની 29 વર્ષીય પ્રેમિકા પીડિત યુવતીને ફોસલાવીને નદી કિનારે એક અવાવરુ અને સુમસામ જગ્યાએ લઈ ગઈ હતી. જ્યાં પહેલાથી જ બંને પુરુષ આરોપીઓ હાજર હતા. ત્યાં બંને નરાધમોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ પકડાઈ જવાના ડરથી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ગુનાને અંજામ આપ્યા બાદ તેમણે લાશને નજીકના એક ખાડામાં ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા માટે 18 મેની રાત્રે લાશને રેતીથી ઢાંકી દીધી હતી.
આ પણ વાંચો: મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી
ફોરેન્સિક અને ટેકનિકલ ટીમની મદદથી આરોપીઓ જેલ ભેગા
બીજી તરફ, યુવતી ઘરે ન પહોંચતા તેના માતા-પિતાએ 17 મેના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ દરમિયાન 19 મેના રોજ રાધિયા નદીના કિનારે રેતી નીચેથી યુવતીની લાશ મળી આવી હતી. દેવઘરના એસડીપીઓ કુલદીપ કુમારે જણાવ્યું કે, પોલીસે ફોરેન્સિક રિપોર્ટ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કડીઓ જોડીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન ત્રણેય ગુનેગારોએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને પોલીસે ગુનો નોંધીને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.


