ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ | Severe heatwave in North India: Red alert in eight states

![]()
– કેદારનાથમાં થયેલા ભૂસ્ખલનમાં 10 હજાર શ્રદ્ધાળુઓ બચાવાયા
– જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા અને વરસાદથી તાપમાન ઘટયુ પહલગામમાં વીજળી પડતાં 60થી વધુ ઘેટાબકરાના મોત
– દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર સુધીના મોટાભાગના વિસ્તારોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
– ઉત્તરપ્રદેશનું બાંદા 47.6 ડિગ્રી સાથે દેશમાં સૌથી વધુ ગરમ શહેર
નવી દિલ્હી : ઉત્તર ભારત આખુ અગનભઠ્ઠી બની ગયું છે અને મોટાભાગના સ્થળોએ ૪૫થી ૪૮ ડિગ્રી તાપમાન છે ત્યારે હવામાન વિભાગે હજી પણ પ્રચંડ હીટવેવની આગાહી કરી છે. આઠ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઉત્તરપ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર છે. આ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડતા ૬૦ ઘેટા મરી ગયા હતા. બીજી બાજુએ કેદારનાથમાં ભૂસ્ખલનમાં ૧૦ હજાર યાત્રાળુઓને માંડ-માંડ બચાવાયા હતા.
ઉત્તર ભારતના દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગરમીનો પારો ૪૫થી ૪૮ ડિગ્રીની વચ્ચે છે. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મેના આગામી દિવસોમાં હજી પણ ગરમીમાંથી રાહત મેળવવાના કોઈ સંકેત નથી. તેમા પણ ખાસ કરીને દિલ્હી-એનસીઆરમાં આગામી સાત દિવસ સુધી હીટવેવ જારી રહેવાની આગાહી છે. દિલ્હીના કેટલાય વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે. આગામી સાત દિવસ સુધી દિલ્હીમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી ઉપર રહી શકે છે.
હવામામ વિભાગના હીટ વેવ મેપ મુજબ દેશનો મોટો હિસ્સો હાલમાં ડાર્ક રેડ ઝોનમાં છે, જે અત્યંત ખતરનાક ગરમી દર્શાવે છે. દિલ્હી, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમા, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. કેટલાય સ્થળે તાપમાન ૪૪થી ૪૮ ડિગ્રી છે. ૨૨મી મેના રોજ દિલ્હી, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં લૂ ચાલશે. ૨૩મી મેના રોજ પણ આ જ હાલ હશે. દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર સુધી લૂની અસર રહેશે.
આમ એકબાજુએ જ્યાં મેદાન તપી રહ્યા છે ત્યાં બીજી બાજુએ લડાખમાં અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. તેના કારણે રસ્તા બંધ કરવા પડયા છે. હજી પણ ખરાબ વાતાવરણની ચેતવણી છે. જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડયો છે. તેના કારણે તાપમાન ઘટયું છે. પહલગામમાં ભારે વરસાદની સાથે વીજળી પડતા ૬૦ ઘેટાબકરાના મોત થયા છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ચાલતી કેદારનાથ યાત્રામાં મુન્કાટિયા ખાતે અચાનક જ ભૂસ્ખલન થતા ૧૦ હજારથી વધુ લોકોને બચાવાયા હતા. ભારે વરસાદની વચ્ચે બચાવકાર્યનું અત્યંત કઠિન કાર્ય બચાવ ટુકડીએ પૂરુ પાડયું હતું. ઉત્તરપ્રદેશના બાંદા ૪૭.૬ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યુ હતુ. આમ દેશના સૌથી ગરમ શહેર પહેલા રાજસ્થાનના જ હતા. તે તાજ હવે ઉત્તરપ્રદેશના શહેરોએ છીનવી લીધો છે. હરિયાણામાં સિરસા ૪૫.૮ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર હતુ. પંજાભમાં ભટિન્ડા ૪૫.૬ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર હતું. રાજસ્થાનમાં શ્રીગંગાનર ૪૫.૧ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર હતું.
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં વહીવટીતંત્રએ ચેતવણી આપી છે કે બાળકો અને વૃદ્ધો આ ગરમીમાં બપોરે બહાર જ ન નીકળે. જ્યારે બહાર કામ કરનારાઓ સતત ધ્યાન રાખે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે પર્વતીય વિસ્તારોમાં ૩૦ ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય છે, આ તાપમાન પણ વધી જાય તેવી સંભાવના છે.
ભારતની વીજમાંગ 270 ગીગાવોટના નવા સ્તરે પહોંચી
નવી દિલ્હી : ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની સાથે ઠંડા ઉપકરણોનો ઉપયોગ વધતા ભારતની વીજમાંગ ૨૭૦ ગીગાવોટના નવા સ્તરે પહોંચી ચૂકી છે. આમ તેણે બુધવારનો જ ૨૬૫.૪૪ મેગાવોટનો રેકોર્ડ વટાવી દીધો છે.
ઉર્જા મંત્રાલયે અગાઉ આગાહી કરતી હતી કે પીક પાવર માંગ ૨૭૦ મેગાવોટના સ્તરે પહોંચી શકે છે. ભારતે ગુરુવારે બપોરે ૩-૪૫ વાગે ૨૭૦.૮૨ ગીગાવોટની અત્યાર સુધીની સૌથી ટોચની માંગ નોંધાવી હતી, જે સફળતાપૂર્વક પૂરી પણ કરવામાં આવી હતી.
તેમા કોલસા આધારિત ઉર્જાનો ૬૨ ટકા, સૌર ઉર્જાનો ૨૨ ટકા, પવન ઉર્જાનો પાંચ ટકા અને હાઇડ્રો ઉર્જાનો ૫.૮ ટકા હિસ્સો હતો અને બાકીની માંગ અન્ય સ્ત્રોતોમાંથી પૂરી કરવામાં આવતી હતી. આ પહેલા સોમવારે ૨૫૭.૩૭, મંગળવારે ૨૬૦.૪૫ અને બુધવારે ૨૬૫.૪૪ ગીગાવોટની માંગ નોંધાઈ હતી.



