मनोरंजन

‘લાલો’ ફિલ્મના એક્ટર પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ: કરણ જોશીએ કહ્યું- ‘મારો મોબાઈલ હેક થયો હતો’, કોઈએ હજુ નથી નોંધાવી ફરિયાદ | film Laalo lead actor controversy Karan Joshi demanded physical pleasures actress serious allegation


Karan Joshi Controversy: ગત વર્ષની લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના મુખ્ય અભિનેતા કરણ જોશી હાલ એક ગંભીર વિવાદમાં સપડાયા છે. ઓટીટી પ્લેટફોર્મની અભિનેત્રી નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર પુરાવા સાથેનો એક વીડિયો શેર કરીને કરણ જોશી પર જાન્યુઆરી મહિનામાં શારીરિક સુખની અયોગ્ય માંગણી કરવાનો આક્ષેપ લગાવ્યો છે. નેહલના જણાવ્યા અનુસાર, વિવાદ બાદ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ ભેગા મળીને મામલો દબાવવાનો અને ઇમોશનલ બ્લેકમેલ કરીને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય યુવતીઓ ભોગ ન બને તે માટે તે આ સત્ય સામે લાવી રહી છે. બીજી તરફ, અભિનેતા કરણ જોશીએ આ આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું છે કે તે સમયે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું અને તે જાન્યુઆરીમાં જ આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. તેવો લૂલો બચાવ કરી રહ્યા છે. ચાર-છ મહિના પછી અચાનક આ મુદ્દો ફરી ઉછળતાં કરણ જોશીએ ચિંતા વ્યક્ત કરી છે અને કાનૂની પગલાં લેવા માટે નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા હોવાનું રટણ કર્યું છે.

‘હું આ બધું ફેમસ થવા માટે નહીં, સાબિતી આપવા માટે પોસ્ટ કરું છું’: અભિનેત્રી

એક્ટ્રેસ નેહલ વડોલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું આ બધું ફેમસ થવા માટે નહીં, પણ માત્ર સાબિતી આપવા માટે પોસ્ટ કરી રહી છું. પહેલાં તો આ લોકોએ એવું કહ્યું કે મેસેજ કોઈ મિત્રએ લખ્યો હતો, પછી ન્યૂઝમાં અને સ્ટોરીમાં કહ્યું કે હેકરે લખ્યો છે. ત્યારપછી, એક કોમન ફ્રેન્ડ, આ છોકરો (કરણ જોશી) પોતે, એક પ્રોડ્યુસર અને ડિરેક્ટર એમ કુલ પાંચ લોકોએ ભેગા મળીને મને મનાવવાની કોશિશ કરી. તેઓએ મને ઇમોશનલ બ્લેકમેલ કરતા કહ્યું કે ‘તમે તો ભગવાન કૃષ્ણને આટલું માનો છો, પ્લીઝ આ બધું ડિલીટ કરી દો નહીંતર ભગવાનનું નામ ખરાબ થશે.’ વાહ! કાંડ તમે કરો અને નામ ભગવાનનું ખરાબ થાય? મેં કોલ પર વાત કરવા માટે હા પાડી હતી, પણ તેમની શરત એ હતી કે હું કોઈને ન કહું કે તેઓએ મારી માફી માગી છે. મેં ત્યારે હા પાડી દીધી હતી અને ગામની પંચાયતની જેમ પાંચ લોકોએ ભેગા મળીને આ સમાધાન કરાવ્યું હતું.’

‘સત્ય દુનિયા સામે લાવીશ’

‘પરંતુ, હું આ સત્ય દુનિયા સામે લાવીને જ રહીશ, જેથી ન્યૂઝની કે આ છોકરા(કરણ જોશી)ની વાતોમાં આવીને કોઈ અન્ય છોકરી પોતાનો સમય બગાડે નહીં. સામે કોઈ પણ હોય મને ફરક નથી પડતો. હું મહાદેવની દીકરી છું, મને શાંત રહેતા અને રૌદ્ર રૂપ ધારણ કરતા બંને સારી રીતે આવડે છે. ૐ નમઃ શિવાય. તે મેસેજ કોણે લખ્યો હતો એ તો ભગવાન જાણે, પણ જો તમારી સાથે ખોટું થાય તો અવાજ ઉઠાવો. લોકો સાબિતી વગર ક્યારેય ભરોસો નથી કરતા, એટલે બધી બાબતોથી જાગૃત રહો અને તમારી આંખ, કાન તેમજ દિમાગ ખુલ્લા રાખીને જ આગળ વધો.’

'લાલો' ફિલ્મના એક્ટર પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ: કરણ જોશીએ કહ્યું- 'મારો મોબાઈલ હેક થયો હતો', કોઈએ હજુ નથી નોંધાવી ફરિયાદ 2 - image

એક્ટર કરણ જોશી શું કહ્યું?

એક્ટર કરણ જોશીએ તેની સામે થયેલા આ આક્ષેપ અંગે કહ્યું કે, ‘આ યુવતી નેહલ વડોલિયા મારા વિશે જે પણ આક્ષેપ કરી રહી છે, તે વાત ખરેખર જાન્યુઆરી મહિનાની છે. તે સમયે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને ત્રણ અલગ-અલગ લોકેશનથી લોગઈન પણ થયું હતું. હું મારી ફિલ્મના પ્રમોશનમાં સતત વ્યસ્ત હતો, જેથી એકાઉન્ટમાં અચાનક વધેલા ફોલોવર્સ અને મેસેજીસ પર મેં કોઈ ધ્યાન આપ્યું નહોતું. મારા એકાઉન્ટમાંથી તેને કેટલાક મેસેજ ગયા હશે, જેની મને કોઈ જ જાણ નહોતી. જ્યારે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ મારફતે મને આ વાતની ખબર પડી, ત્યારે મેં ગ્રુપ કોલ પર તેની સાથે વાત કરી હતી અને એકાઉન્ટ હેક થયું હોવાની સ્પષ્ટતા કરી હતી. તેણે પણ સ્વીકાર્યું હતું કે આ બધું હેકિંગના કારણે થયું છે અને અમારી વચ્ચે ત્યારે જ બધું ક્લિયર થઈ ગયું હતું. હું આજ સુધી આ બેનને ક્યારેય રૂબરૂ મળ્યો નથી, અગાઉ માત્ર તેમણે મારી ફિલ્મ જોઈ હતી એટલે મેં તેમને સામાન્ય રીતે ‘થેન્ક્યુ’ કહીને રિપ્લાય આપ્યો હતો.’

‘ચાર-છ મહિના પછી ફરી કેમ મુદ્દો ઉઠાવ્યો તેનો ખ્યાલ નથી’

તેમણે વધુમાં કહ્યું કે, ‘હવે ચાર-છ મહિના પછી અચાનક તેમણે આ વીડિયો કેમ બનાવ્યો અને ફરીથી આ મુદ્દો કેમ ઉઠાવ્યો તેનો મને કોઈ જ ખ્યાલ નથી. જ્યારે એકાઉન્ટ હેક થયું ત્યારે હું ટેકનોલોજી બાબતે નવો હતો અને વધુ જાણતો નહોતો, તેથી મેં સાઇબર ક્રાઈમમાં કાનૂની ફરિયાદ કરવાને બદલે માત્ર સેટિંગ્સમાં જઈને ‘ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન’ ચાલુ કરી દીધું હતું અને સિક્યોરિટી વધારી દીધી હતી. આ આખી ઘટનાથી હું અત્યારે ખૂબ જ ગભરાઈ ગયો છું અને પેનિક થઈ રહ્યો છું. મારા માતા-પિતા 60 વર્ષથી ઉપરના છે અને તેમને બીપીની તકલીફ છે, તેથી મને મારા પરિવારની ખૂબ ચિંતા છે. મારો કોઈ વાંક નથી અને હું કોઈને બદનામ કરવા માંગતો નથી, પરંતુ મારી સામે થયેલા આ આક્ષેપો માટે હવે મારે પોલીસ ફરિયાદ કે કોઈ કાનૂની કાર્યવાહી કરવી કે નહીં, તે બાબતે હું હાલ નિષ્ણાતોની સલાહ લઈ રહ્યો છું.’



Source link

Related Articles

Back to top button