ના હોય! NEET 2025નું પેપર પણ લીક થયું હતું? ગેરન્ટીવાળા કોચિંગ સેન્ટરોએ ‘ખેલ’ કર્યાનો દાવો | NEET 2026 Paper Leak CBI Probe Reveals Biwal Family Bought 2025 Paper for 5 Members

![]()
NEET 2026 Paper Leak: NEET 2026 પેપર લીક કાંડમાં સીબીઆઈની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્ય આરોપી વિકાસ બિવાલ અને તેના પરિવાર દ્વારા માત્ર 2026 જ નહીં, પરંતુ 2025માં પણ પેપર ખરીદવામાં આવ્યું હોવાની આશંકા હવે દ્રઢ બની છે. આ તપાસમાં એક જ પરિવારના પાંચ સભ્યોની શંકાસ્પદ પસંદગી અને કોચિંગ સંસ્થાઓની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે.
શું 2025માં પણ પેપર લીક થયું હતું?
સીબીઆઈની તપાસ મુજબ, ગુરુગ્રામના યશ પાસેથી વર્ષ 2026માં પેપર ખરીદનાર વિકાસ બિવાલે 2025માં પણ માત્ર 25 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. આ લીક થયેલા પેપરની મદદથી વિકાસ અને તેના પરિવારના અન્ય ચાર ભાઈ-બહેનોએ નીટ પરીક્ષામાં અસાધારણ સ્કોર મેળવ્યો હતો. આ તમામ પાંચેય સભ્યો અભ્યાસમાં સરેરાશ હોવા છતાં સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા. આ ષડયંત્રમાં વિકાસના પિતા માંગીલાલ અને કાકા દિનેશ બિવાલ મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે.
એક જ પરિવારના 5 સભ્યોની શંકાસ્પદ પસંદગી
વર્ષ 2025ના પરિણામોમાં સીકરની ‘દીપ કરિયર ઇન્સ્ટિટ્યૂટ’ દ્વારા એક વિજ્ઞાપન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં પલક બિવાલ, સાનિયા બિવાલ અને ગુંજન બિવાલના ફોટા સાથે ‘સિલેક્શન નહીં તો પૈસા પાછા’ જેવી લલચામણી ઓફર મૂકવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે આટલી મોટી સફળતાનો દાવો કરનાર કોચિંગ સેન્ટર પરિણામોના થોડા સમય બાદ જ રહસ્યમય રીતે બંધ થઈ ગયું હતું. આ બાબત પેપર લીકના ખેલમાં સંસ્થાની સંડોવણી હોવા તરફ ઈશારો કરે છે.
CLC કોચિંગનો ખુલાસો: વિદ્યાર્થીઓ રેગ્યુલર નહોતા
જ્યારે આ મામલે સીકરની પ્રતિષ્ઠિત CLC કોચિંગ સંસ્થાની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે બિવાલ પરિવારના સભ્યો ત્યાં નોંધાયેલા તો હતા, પરંતુ તેઓ નિયમિત ક્લાસમાં આવતા નહોતા. સંસ્થાના એમડી શ્રવણ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે વિકાસ, પ્રગતિ, સાનિયા, પલક અને ગુંજને માત્ર ‘ટેસ્ટ સિરીઝ’ જોઈન કરી હતી. વિકાસ બિવાલ, જેને 12માં ધોરણમાં માત્ર 55% ગુણ હતા, તેણે નીટમાં મેળવેલી ઉંચી રેન્ક જોઈને ખુદ કોચિંગ સંચાલકો પણ આશ્ચર્યચકિત છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી
તપાસનો ગાળિયો મજબૂત
આ સમગ્ર કૌભાંડમાં હવે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે પેપર લીકનું આ નેટવર્ક વર્ષોથી સક્રિય હતું. સીબીઆઈ હવે એ તપાસી રહી છે કે શું કોચિંગ સંસ્થાઓ અને પેપર માફિયાઓ વચ્ચે કોઈ સીધું જોડાણ હતું. એક જ પરિવારના પાંચ સભ્યોનું મેડિકલમાં સિલેક્શન થવું એ કોઈ ચમત્કાર નહીં પણ આયોજિત ભ્રષ્ટાચાર હોવાનું જણાય છે, જેણે દેશના હજારો તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે.



