‘પેટ્રોલ-ડીઝલ, ગેસનો સાચવીને ઉપયોગ કરો…’ વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ | We must use petrol diesel gas responsibly consume only what is necessary PM Modi in Telangana

![]()
PM Modi in Telangana: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે તેલંગાણામાં એક જનસભાને સંબોધન કરતી વખતે નાગરિકોને પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેલંગાણામાં અંદાજે 9,400 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં તેમને ઇંધણના વપરાશમાં સંયમ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે ભારત મોટાભાગે ઇંધણની આયાત કરે છે.
પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરો: PM મોદી
તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત ચાલુ યુએસ-ઈરાન યુદ્ધને કારણે ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેણે વૈશ્વિક તેલ પરિવહન માટેના નિર્ણાયક માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ના બ્લોકેડને કારણે પુરવઠામાં વિક્ષેપ પાડ્યો છે. PM મોદીએ કહ્યું કે, ‘આજની જરૂરિયાત એ છે કે આપણે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરીએ. જેનાથી માત્ર વિદેશી હૂંડિયામણની બચત નહીં થાય, પરંતુ યુદ્ધની પ્રતિકૂળ અસરોને પણ ઘટાડી શકાશે.’
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાના ક્ષેત્રમાં સારી પ્રગતિ
PM મોદીએ કુદરતી અને વૈકલ્પિક ઊર્જામાં ભારતની ઝડપી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો, કહ્યું કે સૌર ઊર્જા ઉત્પાદનમાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાં ઉભરી આવ્યું છે. આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાના ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ પ્રગતિ કરવામાં આવી છે.
ઊર્જા વ્યૂહરચના પર ભાર મૂક્યો
સરકારની બહુપક્ષીય ઊર્જા વ્યૂહરચના પર ભાર મૂકતા મોદીએ કહ્યું કે સૌ પ્રથમ ધ્યાન સાર્વત્રિક એલપીજી (LPG) કવરેજ હાંસલ કરવા પર હતું અને હવે તે પરવડે તેવા પાઇપ્ડ ગેસ સપ્લાયના વિસ્તરણ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર ઊર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવવા માટે સીએનજી (CNG) આધારિત ઇકોસિસ્ટમને પણ સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે.


