INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bloc Crisis DMK Ends Alliance With Congress Seeks Separate Seating in Lok Sabha

INDIA Bloc Crisis: રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડવા માટે બનેલા વિપક્ષી ગઠબંધન ‘INDIA’ના ભવિષ્ય પર હવે સવાલો ઊભા થયા છે. તમિલનાડુમાં દાયકાઓ જૂની મિત્રતા તોડીને કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) સાથે હાથ મિલાવતા DMK નારાજ થયું છે. આ બદલાયેલા રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને DMK એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઇન્કાર કરી દીધો છે.
લોકસભા સ્પીકરને લખ્યો પત્ર
DMKના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહમાં DMK સાંસદોની બેઠક વ્યવસ્થા બદલવામાં આવે. પત્રમાં તેમણે સ્પષ્ટપણે ‘બદલાયેલા રાજકીય સંજોગો’ અને ‘કોંગ્રેસ સાથે ગઠબંધનનો અંત’ આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. કનિમોઝીએ જણાવ્યું છે કે હવે કોંગ્રેસની બાજુમાં બેસવું યોગ્ય નથી, તેથી DMKના 22 સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ ગૃહમાં પોતાની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવી શકે.
તમિલનાડુમાં કોંગ્રેસ અને TVK વચ્ચે નવી મૈત્રી
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બે દિવસ પહેલા કોંગ્રેસે તમિલનાડુમાં સત્તા મેળવવાના હેતુથી DMKને છોડીને વિજયની પાર્ટી TVK સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો. DMKના નેતાઓએ આ પગલાને ‘પીઠમાં છરો ભોંકવા’ સમાન ગણાવ્યું છે. આ ઘટનાક્રમ બાદ INDIA ગઠબંધનના અન્ય પક્ષોમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતાઓ તેને રાજકીય રણનીતિ કહી રહ્યા છે, તો કેટલાક તેને વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે.
અખિલેશ યાદવનો કોંગ્રેસ પર કટાક્ષ
ગઠબંધનમાં પડી રહેલી તિરાડો વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તેઓ એવા લોકોમાંથી નથી જે મુશ્કેલ સમયમાં સાથીઓને છોડી દે છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે અખિલેશનું આ નિવેદન ઘણું મહત્ત્વ ધરાવે છે. આ ઘટનાક્રમો સૂચવે છે કે INDIA ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી અને આગામી સમયમાં વિપક્ષી એકતા માટે મોટા પડકારો ઊભા થઈ શકે છે.




