તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ | Congress Worried as Vijay’s TVK Falls 10 Seats Short in Tamil Nadu Power Race

![]()
Tamil Nadu Government Formation: તમિલનાડુના રાજકીય ફલક પર એક આશ્ચર્યજનક વળાંક જોવા મળી રહ્યો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) સત્તાના ઉંબરે ઊભી છે, પરંતુ બહુમતીના આંકડામાં 10 બેઠકો ખૂટી રહી છે. આ સ્થિતિનો લાભ ઉઠાવીને ભાજપ પરદા પાછળ સક્રિય થઈ ગયું છે, જેના કારણે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે અને AIADMK ધર્મસંકટમાં મૂકાઈ ગયું છે.
118નો જાદુઈ આંકડો
તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. હાલમાં વિજયની TVK પાસે 108 બેઠકો છે, જે બહુમતીથી માત્ર 10 ડગલાં દૂર છે. આ 10 બેઠકોના ટેકા માટે જે ખેંચતાણ શરૂ થઈ છે તેણે રાજ્યમાં ભારે ઉથલપાથલ મચાવી છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં કોંગ્રેસ બરાબરની ફસાઈ! વિજયને ટેકો જાહેર કરતાં જ સ્ટાલિને કર્યો મોટો ખેલ?
ભાજપની ‘માસ્ટરસ્ટ્રોક’ અને કોંગ્રેસને રોકવાનો પ્લાન
સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ તમિલનાડુમાં TVKના નેતૃત્વમાં સરકાર બને તેવું ઇચ્છી રહ્યું છે, પણ તેની શરત અલગ છે. ભાજપ નથી ઇચ્છતું કે વિજયની પાર્ટી કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવે. પડોશી રાજ્ય કેરળમાં કોંગ્રેસની મજબૂત વાપસીથી ચિંતિત ભાજપ કોઈપણ ભોગે તમિલનાડુમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માંગે છે. આ માટે ભાજપ તેના જૂના સાથી પક્ષ AIADMK પર દબાણ લાવી રહ્યું છે કે તેઓ TVK સાથે ગઠબંધન કરે.
AIADMKમાં વિભાજનનો ભય
ભાજપના દબાણને કારણે AIADMKમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. પાર્ટીમાં બે જૂથ પડી ગયા છે, જેમ કે, જેઓ સત્તામાં હિસ્સો મેળવવા વિજયની પાર્ટીને ટેકો આપવા માંગે છે અને જેઓ માને છે કે વિજયને ટેકો આપવો તે આત્મઘાતી સાબિત થઈ શકે છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા લીમા રોઝ માર્ટિને પણ સ્વીકાર્યું છે કે TVK અને AIADMK વચ્ચે વાતચીત ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો AIADMK કોઈ ચોક્કસ નિર્ણય પર નહીં આવે તો મહારાષ્ટ્રમાં શિવસેના જેવી સ્થિતિ (પાર્ટીના ભાગલા) તમિલનાડુમાં સર્જાઈ શકે છે.
વિજયની મહત્ત્વની બેઠક
દરમિયાન, કોંગ્રેસના પાંચ વિજેતા ઉમેદવારોએ વિજયને ટેકો જાહેર કર્યો હોવા છતાં આંકડો હજુ પણ અધૂરો છે. ગુરુવારે (સાતમી મે) વિજયે સરકાર રચનાના અંતિમ સમીકરણો પર ચર્ચા કરવા માટે વિજેતા નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક બાદ નક્કી થશે કે તમિલનાડુમાં નવી સરકારનો ચહેરો કેવો હશે અને તે કોના સમર્થનથી ચાલશે.
તમિલનાડુમાં અત્યાર સુધી દ્રવિડિયન પક્ષોનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે ભાજપના ‘ચાણક્ય’ જેવી વ્યૂહનીતિ અને વિજયની નવી પાર્ટીએ રાજ્યના રાજકારણનું આખું ગણિત બદલી નાખ્યું છે.



