‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Modi Live Bengal Election Result 2026 Narendra Modi BJP headquarters in Delhi

![]()
PM Modi BJP Headquarter Delhi : પશ્ચિમ બંગાળ, આસામ, કેરલમ, તમિલનાડુ, પુડુચેરીના પરિણામ સામે આવી ચૂક્યા છે. બંગાળમાં 190થી વધુ બેઠકો પર કેસરીયો લહેરાયો છે જ્યારે અસમમાં 100થી વધુ બેઠક પર તો પુડુચેરીમાં 17 બેઠક પર કમળ ખીલ્યું છે. ત્યારે દેશભરમાં ભાજપ શાસિત રાજ્યોમાં ઉજવણીનો માહોલ છે. દિલ્હીમાં પણ વડા પ્રધાન મોદી ભાજપના મુખ્ય કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કાર્યકરોને સંબોધન કર્યું.
PM મોદીનું સંબોધન
PM મોદીના સંબોધનના અંશ
બંગાળની જીતે શ્યામાપ્રસાદ મુખરજીના આત્માને શાંતિ આપી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. આજે શ્યામાપ્રસાદ મુખરજીના આત્માને શાંતિ મળશે. ભાજપની અનેક મહિલા કાર્યકરોએ અનેક અત્યાચાર સહન કરવા પડ્યા. તમને કલ્પના પણ ના કરી શકો કે, બંગાળ અને કેરળમાં ભાજપના કાર્યકરોએ કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે, કેટલો જુલમ થયો, કેટલો અત્યાચાર થયો. આજે બંગાળમાં ભાજપની જીતનો સફળતાનો શ્રેય આવા કાર્યકરો અને તેમના પરિવારોને જાય છે. હું આ જીત બંગાળની પ્રજાને સમર્પિત કરું છું.
ભાજપની બેઠકો એ ફક્ત આંકડો નથી, પરંતુ વિશ્વાસનો હુંકાર છે
આજે બંગાળની પાવન ધરતી પર એક નવો સૂર્યોદય થયો છે. એક એવી સવાર, જેની રાહ પેઢીઓથી જોવાતી હતી. ભાજપે જેટલી બેઠક જીતી છે, તે એક ચૂંટણીનો આંકડો નથી પણ એક અડગ વિશ્વાસનો હુંકાર છે, જેણે ડર, તૃષ્ટિકરણ અને હિંસાના રાજકારણને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દીધા છે. આજથી બંગાળના ભવિષ્યની એક એવી યાત્રા શરૂ થઈ રહી છે, જ્યાં વિકાસ, અતૂટ વિશ્વાસ અને નવી આશાઓ કદમથી કદમ મેળવીને ચાલશે.
પહેલી જ કેબિનેટમાં આયુષ્માન ભારત યોજનાને લીલી ઝંડી આપીશું
હું દરેક બંગાળવાસીને ખાતરી આપું છું કે, બંગાળના વિકાસ માટે ભાજપ દિવસ-રાત એક કરી દેશે. બંગાળમાં હવે મહિલાઓને સુરક્ષાનો માહોલ મળશે. યુવાનોને નોકરી મળશે અને અહીંથી યુવાનોનું પલાયન પણ અટકશે. પહેલી જ કેબિનેટમાં આયુષ્માન ભારત યોજનાને પણ લીલી ઝંડી બતાવાશે. એટલું જ નહીં, ઘૂસણખોરો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરીશું.
ગુરુદેવ ટાગોરનું ભયમુક્ત બંગાળનું સપનું પણ પૂરું કરીશું
અહીંથી હું ગુરુદેવ ટાગોરને પણ યાદ કરું છું. 9 મેનો દિવસ દૂર નથી, અમારો સંકલ્પ હજુ એ જ હોવો જોઈએ, જે તેમનું સપનું હતું. એક એવો માહોલ, જ્યાં મન ભયમુક્ત અને માથું ઊંચું હોય. અને ભાજપ બંગાળમાં આવું ભયમુક્ત વાતાવરણ કરીને બતાવશે. બંગાળ ચૂંટણી એક રીતે ખાસ રહી. તમને યાદ હશે, બંગાળની ચૂંટણીમાં કેવા સમાચારો આવતા હતા- ડર, હિંસા અને નિર્દોષોના મોત. પરંતુ આ વખતે સમાચાર આવ્યા કે, પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થયું. પહેલીવાર એવું થયું કે, ચૂંટણીમાં એકેય નિર્દોષનો જીવ ના ગયો. લોકતંત્રના આ મહા પર્વમાં બંદૂકની અવાજ નહીં, જનતા જનાર્દનનો અવાજ ગૂંજ્યો. પહેલીવાર ડર નહીં, પરંતુ લોકતંત્ર જીત્યું.
તમામ રાજકીય પક્ષના કાર્યકરો કોણે કોને મત આપ્યો એ ભૂલીને બંગાળની સેવા કરે
સાથીઓ, આજે બંગાળે પરિવર્તનના નવા દોરમાં પ્રવેશ કર્યો છે, ત્યારે હું બંગાળના દરેક રાજકીય પક્ષને અપીલ કરું છું કે, બંગાળમાં છેલ્લા દસકામાં રાજકીય હિંસાના કારણે કોણ જાણે કેટલા જીવન બરબાદ થઈ ગયા. મારું સ્પષ્ટ માનવું છે કે, આજથી બંગાળની આ ચૂંટણીલક્ષી આદતોમાં પણ પરિવર્તન આવશે. આજે ભાજપ જીત્યો છે, એટલે બદલો નહીં બદલાવની વાત થવી જોઈએ. ભય નહીં, ભવિષ્યની વાત થવી જોઈએ. દરેક રાજકીય પક્ષના કાર્યકરોને હું આ હિંસાના અંતહીન ચક્રને હંમેશા માટે ખતમ કરવાની અપીલ કરું છું. કોણે કોને મત આપ્યો એ ભૂલીને બંગાળની સેવા માટે કામ કરો.
ભારત આર્થિક સમૃદ્ધિના મુખ્ય સ્તંભ અંગ (બિહાર), બંગ (બંગાળ) અને કલિંગ (ઓડિશા) હતા
આ રાજ્યોમાં ચૂંટણી અને તેના પરિણામોની રાજનીતિ નિષ્ણાતો પોતપોતાની રીતે સમીક્ષા કરી રહ્યા છે. પરંતુ એક મહત્ત્વની વાત છે, ટાઈમિંગ. તમે જોઈ રહ્યા છો કે, આ રાજ્યોમાં પ્રજા મત આપતી હતી, ત્યારે વિશ્વમાં ઘણું ચાલતું હતું, યુદ્ધના સાયરના વાગતા હતા, અસ્થિરતાનો માહોલ હતો, વૈશ્વિક અર્થતંત્રો સંકટમાં હતા, ત્યારે ભારતના જન જન સ્થિરતા માટે મત આપતા હતા. પશ્ચિમ એશિયામાં ચાલતા સંકટની સમગ્ર વિશ્વમાં ખરાબ અસર પડી છે, પરંતુ ભારત આ સંકટનો સામર્થ્યથી સામનો કરી રહ્યું છે. ચૂંટણી પરિણામોએ પણ સાબિત કર્યું છે કે, ભારત એક છે, એક લક્ષ્ય માટે એકજૂટ છે અને એ લક્ષ્ય છે વિકસિત ભારત. અને આ લક્ષ્યમાં પૂર્વનું મહત્ત્વ છે. ભારત આર્થિક, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હતું, ત્યારે તેના મુખ્ય સ્તંભ અંગ (બિહાર), બંગ (બંગાળ) અને કલિંગ (ઓડિશા) હતા.
ચૂંટણી પંચનું યોગદાન ઇતિહાસ હંમેશા યાદ રાખશે: PM
PM મોદીએ કહ્યું, ‘પશ્ચિમ બંગાળમાં અંદાજે 93% મતદાન થવું, એ પોતાની રીતે જ ઐતિહાસિક રહ્યું છે. આસામ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં પણ મતદાનના નવા રેકોર્ડ બન્યા છે. તેમાં પણ મહિલાઓની ભાગીદારી ખૂબ જ વધારે રહી છે. આ ભારતીય લોકશાહીનું સૌથી ઉજ્જવળ ચિત્ર બની રહ્યું છે. હું આજે ચૂંટણી પંચને, ચૂંટણી પંચના તમામ કર્મચારી ભાઈ-બહેનોને, મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓનો અને ખાસ કરીને સુરક્ષા દળોનો પણ ખૂબ ખૂબ અભિનંદન કરું છું. ભારતના લોકતંત્રની ગરિમાને જાળવી રાખવામાં આપ સૌના યોગદાનને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.
‘લોકશાહી જ નથી જીતી, પરંતુ આપણું બંધારણ પણ જીત્યું’: PM
પીએમ મોદીએ કહ્યું, ‘લોકશાહીએ આપણા રગોમાં દોડતો સંસ્કાર છે. હું બંગાળ, આસામ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળની જનતાને નમન કરું છું. આપણે આખા વિશ્વને બતાવ્યું છે કે આપણું ભારત ‘મધર ઓફ ડેમોક્રેસી’ (લોકશાહીની જનની) કેમ છે. લોકશાહી એ આપણા રગોમાં દોડતો સંસ્કાર છે, આજે માત્ર લોકશાહી જ નથી જીતી, પરંતુ આપણું બંધારણ પણ જીત્યું છે.’
આ ભરોસાનો દિવસ છે: PM
PM મોદીએ કહ્યું, ‘એક કાર્યકર્તા હોવાને નાતે હું ભાજપના દરેક કાર્યકર્તાની ખુશીમાં સામેલ છું. આજનો આ દિવસ ઘણી રીતે ખાસ છે, વિશેષ છે. આ દેશના ઉજ્જવળ ભવિષ્યની ઉદઘોષણાનો દિવસ છે. આ ભરોસાનો દિવસ છે. ભરોસો ભારતના મહાન લોકતંત્ર પર, ભરોસો પરફોર્મન્સની રાજનીતિ પર, ભરોસો સ્થિરતાના સંકલ્પ પર, ભરોસો એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના પર.’
‘ભાજપના કાર્યકરોએ નવો ઈતિહાસ રચી દીધો’: PM મોદી
‘વર્ષોની સાધના જ્યારે સિદ્ધિમાં પરિવર્તિત થાય છે ત્યારે તેની ખુશી અનેક ગણી હોય છે જે આજે દેશના દરેક ભાજપ કાર્યકરોમાં તે દેખાઈ રહી છે. હું તમામ રાજ્યોમાં ભાજપ કાર્યકરોને કોટિ કોટિ વંદન કરું છું, તમે નવો ઈતિહાસ રચી દીધો છે, કમાલ કરી નાખ્યો છે.’
બંગાળી ધોતી-કુર્તામાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળી ધોતી-કુરતો પહેરીને દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં બંગાળ, આસામ અને પુડુચેરીની ચૂંટણીમાં પાર્ટીની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. તેમના આગમન પર ભાજપના કાર્યકરોએ ‘4 મે, મમતા ગઈ’ ના નારા સાથે PMનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ ભાજપનું બંગાળ કેમ્પેઈન સોંગ ‘પોરિબર્તનો દરકાર, ચાઈ બીજેપી સરકાર’ વાગી રહ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે!: PM મોદી
પશ્ચિમ બંગાળમાં જીત મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું છે કે,’ પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે, 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. જનશક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસનની વ્યૂહનીતિનો વિજય થયો છે. હું પશ્ચિમ બંગાળના દરેક વ્યક્તિને નમન કરું છું. જનતાએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને હું તેમને ખાતરી આપું છું કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. અમે એવી સરકાર આપીશું જે સમાજના તમામ વર્ગોને તક અને ગૌરવની ખાતરી આપે. ‘પેઢીઓથી અસંખ્ય કાર્યકર્તાઓના પ્રયત્નો અને સંઘર્ષ વિના પશ્ચિમ બંગાળમાં ભાજપની આ વિક્રમી જીત શક્ય ન હોત. હું તે તમામને સલામ કરું છું. વર્ષોથી, તેઓએ જમીન પર સખત મહેનત કરી છે, તમામ પ્રકારના પડકારનો સામનો કર્યો છે અને આપણા વિકાસના એજન્ડા વિશે વાત કરી છે. તેઓ જ અમારી પાર્ટીની શક્તિ છે.’
ભાજપ માટે બંગાળની જીત કેમ ખાસ છે?
આ યાદીમાં સૌથી નવું અને મહત્વનું નામ પશ્ચિમ બંગાળનું ઉમેરાયું છે. બંગાળમાં દાયકાઓ સુધી સંઘર્ષ કર્યા બાદ ભાજપ આજે ઈતિહાસ રચી રહ્યું છે. બંગાળ માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ વૈચારિક રીતે પણ ભાજપ માટે અત્યંત મહત્વનું છે. આ ભાજપ (જનસંઘ) ના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ છે. આ વર્ષે ભાજપ તેમની 125મી જન્મજયંતિ મનાવી રહ્યું છે, ત્યારે અહીંની જીત પાર્ટી માટે ‘વૈચારિક ઘરવાપસી’ સમાન છે. 1951માં જનસંઘની સ્થાપનાથી લઈને 2026 સુધી, લગભગ 74-75 વર્ષના લાંબા અંતરાલ પછી ભાજપ બંગાળમાં પોતાની પ્રથમ સરકાર બનાવવાની ઉંબરે પહોંચ્યું છે. વર્ષ 2011 માં બંગાળમાં ભાજપનો વોટ શેર માત્ર 4% હતો. 2014 માં મોદી લહેર છતાં પાર્ટીનો વોટ શેર 17% સુધી પહોંચ્યો હતો અને 2 લોકસભા બેઠકો મળી હતી. જોકે, 2021 ની ચૂંટણીમાં 77 બેઠકો જીતીને ભાજપ મુખ્ય વિપક્ષ બન્યું હતું અને હવે 2026 માં તે સત્તાના શિખરે છે.
ભારતના રાજકીય નકશાનો નવો રંગ
પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવી લગભગ નક્કી થઈ ગઈ છે. બંગાળ ચૂંટણીના પરિણામોમાં ભાજપે મોટી સરસાઈ મેળવી લીધી છે. આ ઉપરાંત આસામમાં ભાજપની એકતરફી જીત થતી દેખાઈ રહી છે. બીજી તરફ પુડુચેરીમાં પણ ભાજપ ગઠબંધનની સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. એવામાં એ કહેવું ખોટું નહીં હોય કે ભારતીય રાજકારણના ફલક પર ‘ભગવો’ અને ‘NDA’નો ઝંડો ફરી એકવાર પૂરી મજબૂતી સાથે લહેરાઈ રહ્યો છે. 2014માં જ્યાં NDA માત્ર 8 રાજ્યો સુધી સીમિત હતું, આજે 2026માં આ આંકડો વધીને 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચી ગયો છે. ભાજપના 47મા સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે, ચૂંટણીના વલણો દેશના રાજકીય નકશાને એક નવો રંગ આપી રહ્યા છે. આસામના ગઢથી લઈને પશ્ચિમ બંગાળના મેદાનો સુધી, ભગવો જ ભગવો નજરે પડી રહ્યો છે.
હવે આ 22 રાજ્યોમાં ભાજપ અથવા NDA સરકાર
દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, બિહાર, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મણિપુર.



